નડિયાદ: તાજેતરમાં મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ત્રિરંગા યાત્રા દરમિયાન ધમાલે ચઢેલી ગાયે અડફેટે લીધા હતા. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે ‘હર ઘર તિરંગા યાત્રા’ની વચ્ચે નડિયાદમાં તો ‘હર રોડ ગાય’નો નારો પણ બંધ બેસતો દેખાઈ રહ્યો છે. મરીડા ભાગોળથી શરૂ થઈ બાલ્કનજી બારી પાસે જવાના રસ્તાથી પસાર થતા વાહનચાલકોએ અને રાહદારીઓએ ખાસી સાવચેતી રાખવી પડે તેમ છે, કારણ કે આ આખા રોડ પર દર 100 મીટરના અંતરે ગાયો રોડની વચ્ચોવચ દેખાઈ રહી છે.
નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ચોમાસા ટાણે બમણો થઈ જતો હોય છે. શહેરનો એક પણ જાહેર રોડ એવો નથી, જ્યાં ગાયોએ અડીંગો ન જમાવ્યો હોય. આ બાબતનો ગ્રાઉન્ડ રીપોર્ટ કરતા મરીડા ભાગોળ ચોકડીથી શરૂ થતા જ પાલિકાની ખંડેર બનેલી દુકાનો પાસે ગાયો નજરે પડે છે. ત્યારબાદ 50 મીટર આગળ શાંતિ ફળિયા નજીક, તેનાથી 50 મીટર આગળ જતા ભાજપ કાઉન્સિલર કાનાભાઈના ઘર સામે, ત્યાંથી 50 મીટર આગળ અમદાવાદી બજાર તરફના ખાંચા પાસે, ત્યાંથી 50 મીટર આગળ કબ્રસ્તાન ચોકડી પાસે ગાયોના ટોળા દેખાશે. તો વળી, 100 મીટર આગળ જતા પણ ગાયો રોડ પર હતી, ત્યાંથી આગળ ફર્નિચરની દુકાન પાસે અને ત્યાંથી આગળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત (પેટા) કચેરી પાસે ગાયોનો અડ્ડો જોવા મળી રહ્યો છે. એટલે સરેરાશ દર 100 મીટરે રખડતા ઢોરોનો ત્રાસ છે.
અગાઉ આ રોડ પર કબ્રસ્તાન ચોકડી પાસે ગાયે એક વ્યક્તિને ગોથે ચઢાવ્યા હતા. જેમાં તેમનું મોત થયુ હતુ. આ ઉપરાંત અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ જ રીતે નડિયાદ શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીથી પવનચક્કી રોડ તરફ આગળ જતા ઠેર-ઠેર 100થી 200 મીટરની ત્રિજ્યામાં ગાયોના ટોળા રોડની વચ્ચોવચ દેખાય છે. આ જ પરિસ્થિતિ નડિયાદના તમામ મુખ્ય રસ્તાઓની હોવાનું દેખાઈ રહ્યુ છે.
1 કિલોમીટરની હદમાં આવેલો ગૌ ડબ્બો ખાલી
મરીડા ભાગોળથી બાલ્કનજી બારી તરફના રોડ પર ગાયોનો અડીંગો છે. ત્યારે બીજીતરફ અહીંયા 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલો સલુણ બજાર પોલીસ ચોકી પાસેનો ગૌ ડબ્બો ખાલી છે. તેમાં એક પણ રખડતી ગાય પૂરવામાં આવી નથી.
તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યુ છે?
નડિયાદમાં એકતરફ ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાયા છે અને જીવલેણ ખાડા પડ્યા છે. ત્યાં ગાયો પણ રસ્તા પર આવતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અગાઉ અનેકવાર ગાયોના કારણે અકસ્માતો થયા છે. તેમ છતાં તંત્ર આ મુદ્દે જાગ્યુ નથી. માત્ર દેખાડા પૂરતી ગાયો પકડ્યા બાદ દંડ વસુલી છોડી દેવામાં આવી રહી છે. ત્યારે તંત્ર અકસ્માત અને નાગરીકોના મૃત્યુ બાદ જ એક્શનમાં આવશે કે કેમ? તેવા પ્રશ્ન ઉભા થયા છે.