ભરૂચ: ભરૂચ(Bharuch) શહેરમાં રખડતાં ઢોરો(Stray cattle) તોફાને ચડતાં હોય છે. પરંતુ હવે ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality)ની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લી ગટરો(sewers)માં પણ મૂંગાં અબોલ પશુઓ ખાબકી રહ્યાં છે. ત્યારે બુધવારે લિંક રોડ ઉપરની ખુલ્લી ગટરમાં ગાય(Cow) ખાબકી જતાં તેને લોખંડના સળિયા અને સ્લેબ તોડી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત રીતે છોડવામાં આવી હતી. ત્યારે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી ખુલ્લી ગટરો ચોમાસાની ઋતુ પહેલાં તાત્કાલિક મરામત કરી બંધ કરાવે તેવી માંગ ઊઠી છે.
- ભરૂચમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, ગટર તોડી અને સળિયા કાપી રેસ્ક્યુ કરાયું
- જાહેર માર્ગો ઉપર રોડની સાઈડ પર આવેલી ખુલ્લી ગટરો મૂંગાં પશુઓ માટે જીવલેણ બની
- ચોમાસાની ઋતુ પહેલાં જાહેર માર્ગો ઉપરની ખુલ્લી ગટરો બંધ કરવા લોક માંગ
ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા અંબાજી મંદિર પાસે રોડની સાઈડની બાજુમાંથી ગટર પસાર છે અને આ ગટર ઉપરથી પસાર થતી ગાય એકાએક ગટરમાં ખાબકી ગઈ હતી. જેના કારણે ગાયને કાંસમાંથી કાઢવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર અને ગૌરક્ષક સમિતિના કાર્યકરોને કાંસમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યુ કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ગાયને બચાવવા માટે ગટરનો કેટલો હિસ્સો તોડવા સાથે લોખંડના સળિયા પણ કાપી એકથી દોઢ કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
રોડ સાઈડની ગટરો બની અકસ્માત ઝોન
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે તુલસીધામ, કસક, કોલેજ રોડ, સુપર માર્કેટ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, લિંક રોડ, શ્રવણ ચોકડી, સિવિલ રોડ, કતોપોર બજાર સહિત અનેક જાહેર માર્ગોના વિસ્તારોના રોડની સાઈડ ઉપર આવેલી ગટરો રખડતાં ઢોરો, વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત ઝોન બની ગયો છે. ત્યારે ભરૂચ નગરપાલિકા પણ આવી ખુલ્લી ગટરોની ચોમાસાની ઋતુ પહેલાં તાત્કાલિક મરામત કરાવી બંધ કરાવે તેવી માંગ ઊઠી રહી છે.