સુરત: (Surat) જુન-જુલાઈ માસના કોરોનાના પીક સમય બાદ હવે ફરીથી સંક્રમણમાં ઘટાડો થતાં મનપા કરાર કરેલા બેડની સંખ્યા તમામ રદ્દ કરશે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. જેથી મનપાએ જે ખાનગી હોસ્પિટલો (Private Hospital) સાથે બેડ માટે એમઓયુ કર્યા હતા તે હવે પહેલી ફેબ્રુઆરીથી રદ્દ કરાશે. દિવાળી બાદથી શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા. જેથી તાબડતોબ મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરેલા બેડની સંખ્યા વધારી દીધી હતી. ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરીને 603 બેડ રિઝર્વ રાખ્યા હતા.
ત્યારબાદ શહેરમાં સંક્રમણ ઘટતાં મનપાએ બેડની સંખ્યા ઘટાડીને 300 કર્યા હતા. પરંતુ શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધતાં મનપાએ ખાનગી હોસ્પિટલોમાં એમઓયુ કરેલા બેડની સંખ્યા વધારી દીધી હતી. પરંતુ હવે શહેરમાં પ્રતિદિન 5 0થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે કરાર કરેલા બેડની સંખ્યા શુન્ય કરાશે. પહેલી ફેબ્રુઆરીથી મનપા હવે એક પણ હોસ્પિટલ સાથે કરાર રાખશે નહી.
શહેરમાં કોરોનાના કેસમાં ચાર ગણો ઘટાડો
(Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં હવે ચાર ગણો ઘટાડો થયો છે. અને હવે શહેરમાં પ્રતિદિન 50થી પણ ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે શહેરમાં માત્ર 41 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 39,374 પર પહોંચી છે. શુક્રવારે પણ શહેરમાં એક પણ મોત નોંધાયું ન હતું. તેમજ શુક્રવારે વધુ 55 દર્દીઓ સાજા (Recover) થતાંની સાથે અત્યાર સુધીમાં કુલ 38,224 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ (Recovery Rate) 97.08 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- અઠવા 13
- રાંદેર 10
- વરાછા-એ 05
- કતારગામ 05
- વરાછા-બી 04
- સેન્ટ્રલ 03
- ઉધના 01
- લિંબાયત 00
શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા જે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારે મનપા દ્વારા વધુ 39 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં ઉધના ઝોનમાં ઉન વિસ્તારની યશસ્વી શાળાના એક વિદ્યાર્થી તેમજ લિંબાયત ઝોનમાં લક્ષ્મી નારાયણ નગર, ડિંડોલી વિસ્તારની જ્ઞાન ભારતી શાળાના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપા દ્વારા કુલ 39 શાળામાં 2225 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.