Vadodara

ગૌ માતા હવે બસ કરો : દિવસે ગાય અને રાત્રે કુતરાનો ત્રાસ

વડોદરા : વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ અને વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે રસ્તે રઝળતી ગાયોએ બાઇક સવાર પરિવારને ભેટીએ ચઢાવતા એક બાળકી સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચાડી છે. જ્યારે બીજા બનાવમાં ગાયની અડફેટે આવી ગયેલ યુવાનના લગ્નના 15 દિવસ પહેલા ચહેરો ખરાબ થઈ ગયો છે. જેથી તેમણે પોતાનો ખરાબ થઈ ગયેલા ચહેરા અંગે મેયરને જવાબદાર ગણાવી શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.

શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હજી પણ યથાવત છે. અગાઉ માલધારી સમાજે વિરોધ કરતા પશુ નિયંત્રણ બિલ પાસ કર્યા બાદ પણ વિધેયક ન બન્યું. જેના કારણે હવે પાલિકા તંત્રએ હાથ ખંખેરી લીધા છે અને એમાંય ખાસ કરીને વડોદરાના મેયર કે તેમની પાલિકાની ઢોર પાર્ટી નબળી કામગીરી કરી રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મેયરે નાગરિકો અને વાલીઓને તમે એફઆઈઆર કરો એટલે કે પાલિકાનું કામ હવે પોલીસના માથે ટોપી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાયદો અસ્તિત્વમાં નથી. પાલિકા કશું વિશેષ કરી શકતી નથી.

આ કામ પોલીસનું છે અને પોલીસ આ કામગીરી કરે એ માટે એફઆઈઆર કરવી આવશ્યક છે. શહેરમાં પ્રથમ બનેલ બનાવમાં અલકાપુરી જેતલપુર રોડ વિસ્તારમાંથી હિરેન પરમાર મોડી સાંજે પોતાની એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યા હતા. ટેટુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેન પરમાર પોતાની એક્ટિવા ઉપર આગળ ધપી રહ્યા હતા. તે દરમિયાન એકાએક દોડી આવેલી ગાયે તેઓને અડફેટે લેતા રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓને મોઢા ઉપર તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચહેરા ઉપર થયેલી નાની-મોટી ઇજાઓના કારણે તેઓને 12 ટાંકા લેવાનો વખત આવ્યો છે. હિરેન પરમારના પંદર દિવસ બાદ લગ્ન થવાના છે.

ત્યારે લગ્ન પહેલા જ તેમનો ચહેરો ખરાબ થઈ જતા તેઓએ પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બીજા બનાવમાં શહેર નજીક આવેલા કોયલી ગામ પાસેથી મેકવાન દંપતી પોતાની 9 વર્ષની બાળકી સેઝાન સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એકાએક ગાય આવી જતા બંને પરિવારને ભેટીએ ચડાવ્યા હતા. અને પરિવાર રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેમાં નવ વર્ષની સેઝાનને આંખ પાસે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. માસૂમ સેઝાનને આંખ પાસે ઇજા થતા 7 ટાંકા લેવામાં આવ્યા છે. આંખ બચી જતાં પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો.

 નોંધનીય છે કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી શહેરના ઢોર મુક્ત અભિયાન અંગે મેયરને ટકોર કરી હતી. જે બાદ મેયરે તાત્કાલિક મીટિંગો બોલાવીને આદેશો આપ્યા હતા.ત્યાર બાદ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પાલિકા દ્વારા પકડવામાં આવેલા ઢોરને છોડવામાં પાલિકાના જ કર્મીની સંડોવણી સામે આવી હતી. વાત ધ્યાને આવતા તેને કામગીરીમાંથી દુર કરી દેવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદથી લઇને આજદિન સુધી શહેરવાસીઓ રોજબરોજ રખડતા ઢોરની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાની સાથે અન્ય એક યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.તેમ છતાં પણ પાલિકા તંત્ર શહેરને ઢોરમુક્ત બનવવા પોતાની આળસ મરોડતું નથી.

કાયદાના અમલ પછી જ શહેરને ઢોર મુક્ત કરી શકીશું : મેયર
કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ફરી એકવાર ઝુંબેશ સ્વરૂપે આવતીકાલ સવારથી કોર્પોરેશનની ટીમો પોલીસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે ઢોર પકડવાની ફરી એકવાર મોટી ઝુંબેશના રૂપમાં પાલિકા કાર્યવાહી કરવાની છે. પાલિકા દ્વારા આ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી છે. અને એની સાથે ગુજરાત સરકારે પણ પોતાના પ્રયત્નો કર્યા છે. વિધાનસભા માં કાયદો પસાર કર્યો છે. કાયદાનો અમલ હાલમાં મુક્યો છે. પણ જ્યારે અમલ થશે ત્યારે પાલિકા પાસે જે પોતાના કાયદા છે એમાં વધારો થશે અને કયા પશુપાલકે કેટલી ગાયો રાખી છે તેનું લાયસન્સ લેવા તમામ પ્રથાઓ પાછળથી જ્યારે અમલ થશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાયદાના અમલ પછી આપણે કોઈ પણ શહેર હોઈ વડોદરા સહિતના શહેરને ઢોર મુક્ત કરી શકીશું.

પશુપાલકોને વારે ઘડીએ વિનંતી પણ કરવામાં આવી છે સમજાવવામાં પણ આવ્યા છે. જરૂર પડે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ત્યાં સુધી કે જ્યાં ઈજા ના બનાવ બનતા હોય છે. ક્યાંક પોલીસ ફરિયાદ પણ કરાતી હોય છે અને જ્યારે ગંભીર ઘટના બનતી હોય છે.ત્યારે પાસા સુધીની પણ આપણે કાર્યવાહી કરી છે આમ છતાં પણ પશુપાલકો સમજી રહ્યા નથી.ગુજરાત સરકારનો જો કાયદો અમલમાં આવશે અને એમાં લાઇસન્સ પ્રથા જ્યારે અમલ થશે તો જ મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે પશુઓને ત્યારે બહાર સુટ પણ કરીશું અથવા તો પશુઓનું જેટલા પાસે લાયસન્સ છે અને જગ્યા નક્કી થશે તેની અંદર પશુ બાંધી રખાશે ત્યાર પછી જ નિરાકરણ શક્ય છે. – મેયર કેયુર રોકડિયા

કાયમની ખોડખાપણ રહી ગઇ અને કેટલાક તો મૃત્યુ પામ્યા : ભથ્થુ
શહેરના નાગરિકોને એમ જ રખડતા મૂકી દેવા છે. તમારી જાન જાય તો જાય, તમારા હાથ પગ તૂટે તો તૂટે, પણ અમે આ જે તેજ ગતિથી ધીમી ગતિથી પર આવી ગયા છે. અને હવે અમે વિચાર કરીશું. આવું હું 25 વર્ષથી સાંભળતો આવ્યો છું. જ્યારથી થી તે લોકો બેઠા છે. ત્યારથી એક મેયર બીજા મેયર, સવાલ એ નથી કે ગમે તેટલા મેયર બદલાય. પણ જો મક્કમ ઇરાદા થી તમે કામ કરવા માંગતા હોય તો કરો. આ શહેરના નાગરિકો તમારી પાસે સવાલ પૂછે છે કે જે રીતે લોકોના કોઈના પિતાને, કોઈ ના પુત્રને વાગ્યું હોય, કોઇની પત્નિ ને વાગ્યું હોય, કાયમના ખોડખાપણ રહી જાય અને કેટલાક લોકો તો મૃત્યુ પામ્યા છે. ત્યાં સુધી તમારી આંખો નથી ઉઘડતી.
ચંદ્રકાન્ત ભથ્થુ (પૂર્વ વિપક્ષ નેતા)

Most Popular

To Top