ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલી (Amreli) જિલ્લાના દુધાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ ગામના ૭૫ ખેડૂતોને ૭૫ ગાય (Cow) અર્પણ કરતા જણાવ્યું હતું કે, ગાય વિશ્વમાં માતા સ્વરુપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવા રાજ્યપાલે સૌ ખેડૂતોને સંકલ્પબધ્ધ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દુઘાળા ખાતે હરિકૃષ્ણ સરોવર, નમ્રમુનિ સરોવર અને પંચગંગા તીર્થ સરોવર હિતના સરોવરની મુલાકાત લીધી હતી. સુરતના હરિકૃષ્ણ ગૃપ અને ધોળકીયા ફાઉન્ડેશનના સંસ્થાપક અને લાઠી તાલુકાના દુધાળાના મૂળ વતની એવા સવજીભાઇ ધોળકીયા અને પરિવાર દ્વારા આઝાદીના અમૃત્ત મહોત્સવ પ્રસંગે અમરેલી જિલ્લાના ૭૫ ગામના ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે ૭૫ ગાય રાજ્યપાલના હસ્તે દાન આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કર્યા આજે ત્યાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. ગુજરાતમાં અઢી લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીનો સંકલ્પ ભારત ભૂમિને ઝેરમુક્ત બનાવી ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવાનો છે, આ માટે પ્રાકૃતિક કૃષિ એ સૌથી મજબૂત વિકલ્પ છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે. સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે.
પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી તેમ સ્પષ્ટ જણાવતા રાજ્યપાલએ કહ્યું હતું કે, ઓર્ગેનિક ફાર્મિંગ અર્થાત જૈવિક કૃષિ પદ્ધતિમાં શરુઆતમાં ઉત્પાદન ઘટે છે, જેમાં મોટી માત્રામાં છાણિયું ખાતર જરુરી છે. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા પૂરતા સક્ષમ નથી. આ પદ્ધતિમાં નિંદામણની સમસ્યા હલ થતી નથી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉત્પાદન ઘટતું નથી પરંતુ પૂરી વિધિ અનુસરીને તે ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સુક્ષ્મજીવો હોય છે, ગૌમૂત્ર એ ખનીજોનો ભંડાર છે.
ગાય સૌની માતા ઉપરાંત શુભ ફળ દેનારી દેવી તરીકે ઓળખાવી હતી. પ્રાકૃતિક કૃષિમાં છાણ, ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત્ત, ઘન જીવામૃત્ત બનાવવામાં આવે છે, જે કલ્ચર તરીકે કાર્ય કરે છે, પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આચ્છાદન અર્થાત જમીનને ઢાંકવાની આવશ્યકતા પણ તેમણે સમજાવી હતી. આચ્છાદનથી જમીનને ઉંચા તાપમાને રક્ષણ મળે છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન પણ કાર્ય કરવાનું વાતાવરણ મળે છે, અળસિયાં જમીનને ફળદ્રુપ બનાવે છે.
તેમણે કહ્યું હતું કે જંગલમાં કોઇ રાસાયણિક ખાતર, જંતુનાશકનો ઉપયોગ થતો નથી છતાં જંગલમાં વૃક્ષ વનસ્પતિનો વિકાસ થાય છે, એ જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે એ જ પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે છે. પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પૂરતું મળે છે જેથી સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે એટલું જ નહિ સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાને કારણે લોકોના સ્વાસ્થ્યની રક્ષા પણ થાય છે.
જ્યારે રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે, ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. જમીન બંજર બની રહી છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી દૂષિત આહાર આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો પણ ફાળો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આર્શિવાદરુપ ગણાવી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા માટે લોકોને સંકલ્પબદ્ધ કર્યા હતા.
નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાના દાન માટે રાજ્યપાલ દેવવ્રતના આગમનને આવકારતા ધોળકિયા ફાઉન્ડેશનના સવજીભાઇ ધોળકીયાએ કહ્યું હતું કે, જે જમીનમાં પાક નહોતો થતો ત્યાં જળ સંરક્ષણના કાર્ય થતાં વાવણી માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગાય આધારિત ખેતી માટે ગાયની જાળવણી અને માતા-પિતાની સેવા માફક સેવા કરી શકે તેવા ખેડૂત દંપતિઓને ગાય અર્પણ કરવામાં આવી છે. નહિ નફા નહિ નુકસાનના ધોરણે મગફળી વાવેતર અને મગફળીના તેલના વેચાણ માટેનો પ્રસ્તાવ મૂકી તે રકમ કિસાન પે મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
અગ્રણી રાકેશ દુધાતે કહ્યું હતું કે, કિસાનો, ગાય માતા અને ધરતી માતાને સમર્પિત આ ક્રાંતિ ભૂમિ છે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નાગરિકોના કલ્યાણ માટે નિષ્કામ ભાવના સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જળ સંવર્ધનનું કાર્ય કરવા માટે ૧૧૦ તળાવ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠીમાં ૧૦૦ સરોવરના નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.