જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના ન્યુ બ્રન્સવિકના આરોગ્ય અધિકારીઓએ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે 43 લોકોને આ બિમારી કઇ રીતે વળગી અને આ અજાણ્યો ન્યુરોલોજીકલ રોગ છે શું?
અત્યાર સુધીમાં અધિકારીઓએ આ રોગના કારણે પાંચના મોત થયાનું નોંધ્યું છે. ન્યુરોલોજિસ્ટ ડો. નીલ ચેશમેને કહ્યું છે કે આ રોગ પર્યાવરણીય ઝેરમાંથી આવ્યો હોવાનું માની શકાય છે, જો કે સંશોધકો હજુ પણ તેના અંગે સંશોધન કરી રહ્યા છે.
સીબીસીના જણાવ્યા અનુસાર આ બિમારી ક્રેઉત્ઝફેલ્ડ-જેકબ રોગ (સીજેડી) નામે જાણીતા દુર્લભ અને જીવલેણ બ્રેઇન ડિસઓર્ડર સાથે સામ્યતા ધરાવે છે અને જેને મેડ કાઉ રોગ તરીકે ઓળખાવાય છે તે બોવાઇન સ્પોન્જિફોર્મ એન્સેફાલોપથી સહિતના પ્રકાર ધરાવે છે.
જો કે તે સીજેડી સાથે સામ્યતા ધરાવતો હોવા છતાં અધિકારીઓનું કહેવું છે કે તે સમાન રોગ નથી. સીબીસીના મતે, આ ક્ષેત્રમાં પ્રથમ કેસ 2015માં મળ્યો હતો, પરંતુ વર્ષોથી આ કેસોમાં સતત વધારો થયો છે. 2020માં 24 કેસ નોંધાયા હતા અને 2021ના અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે.