હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત કરી લીધા છે, પરંતુ શું રસીના બંને ડોઝ લીધા બાદ અમરત્વ પ્રાપ્ત થઈ જાય છે. કેરળ, મહારાષ્ટ્ર સહિત દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ગુજરાતમાં 16 કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લાં દસ દિવસમાં 3થી વધુ એપાર્ટમેન્ટને કલસ્ટર જાહેર કરી સીલ કરવામાં આવી છે. તો શું કોરોનાની રસી અસરકાર નથી.
વળી, રસી લઈ લીધી હોય તો ક્યારેય કોરોના થવાનો ભય રહેતો નથી એ વાતમાં કેટલી સચ્ચાઈ છે. એક ચર્ચા એવી છે કે રસીના બંને ડોઝ લઈ લીધા બાદ એક બુસ્ટર ડોઝ (Booster Dose) લેવો પડશે. તો આ ડોઝ કયારે લેવાનો, તે ક્યાંથી મળશે જેવા અનેક સવાલો મનમાં ઉભા થાય છે, ત્યારે આજે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (AIIMS Director Dr. Randeep Guleria) વેક્સીનની અસર, બુસ્ટર ડોઝ વિશે કેટલાંક તથ્યો રજૂ કર્યા છે.
એક કાર્યક્રમને સંબોધતા ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, હાલમાં દેશમાં જે સ્પીડથી વેક્સીનેશન ચાલી રહ્યું છે, તે જોતાં દેશના તમામ નાગરિકોને આ વર્ષના અંત સુધીમાં રસી મુકી દેવામાં આવે તેવી શક્યતા છે. આવતા વર્ષે પણ વેક્સીનેશન કેમ્પ ચાલશે તેથી બાકી રહી ગયેલા નાગરિકો તેનો લાભ લઈ શકશે. ડો. ગુલેરિયાએ કહ્યું કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે વેક્સીન લીધા બાદ ઈન્ફેકશન થવાનો ડર કાયમ માટે દૂર થાય છે. તો ના એવું નથી. વેક્સીન લીધી હોય તો મૃત્યુનો ડર ઘટી જાય છે.
શું કોરોનાના નવા વેરિયેન્ટ પર રસી અસરકારક છે?
બીજી લહેરથી જ કોરોનાના વેરિયેન્ટમાં ઘણો બદલાવ આવ્યો છે. અનેક પ્રકારના વેરિયેન્ટ દેખાઈ રહ્યાં છે, જેમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ સામેલ છે. કેટલાંક ઠેકાણે મ્યૂ, સી-1, 2 વેરિયેન્ટ પણ જોવા મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી આ વેરિયેન્ટ્સ ઘાતક કે વધુ અસરકારક હોવાના પુરાવા મળ્યા નથી. ડો. રણદીપ ગુલેરિયાના મતે નવા વેરિયેન્ટ્સ વધુ અસર નહીં છોડી રહ્યાં હોય તેથી એવું માની શકાય કે રસી અસરકારક સાબિત થઈ રહી છે.
શું બુસ્ટર ડોઝ માટે ટ્રાયલ લેવામાં આવશે, તે મુકવો જરૂરી છે?
હાલમાં તો વેક્સીનના બંને ડોઝ નાગરિકોને મળી રહે તે પ્રાથમિકતા હોવી જોઈએ. બુસ્ટર ડોઝની ચર્ચાને હાલમાં કોઈ સ્થાન નથી. જ્યાં સુધી બુસ્ટર ડોઝની કોને જરૂર પડશે તે પ્રશ્ન હોય તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓએ બુસ્ટર ડોઝ મુકાવાનો રહેશે એમ ડો. ગુલેરિયાએ કહ્યું હતું. વળી, બુસ્ટર ડોઝ કયો આપવો જોઈએ તે પણ એક પ્રશ્ન છે. જે વેક્સીન લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ કે અન્ય કોઈ વેક્સીનનો તે હજુ સ્પષ્ટ નથી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, હાલમાં બુસ્ટર ડોઝ અંગે કોઈ સાયન્ટિફીક ટ્રાયલ થઈ નથી. તે તે અંગે કશું પણ કહેવું વહેલું ગણાશે.
સ્કૂલ ખોલી દેવી જોઈએ કે નહીં? તહેવારોમાં શું રાખવાની સાવચેતી?
એક અઠવાડિયામાં નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યાર બાદ લાગલગાટ દોઢ મહિના સુધી તહેવારોની મોસમ ચાલશે. લોકો એકબીજાને મળશે. તેથી સંક્રમણ વધવાનો ડર રહેલો છે, તેથી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ એમ ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું. આ સાથે જ ડો. ગુલેરિયાએ સ્કૂલ ખોલવા અંગે કહ્યું કે, દેશમાં અનેક શહેરોમાં સ્કૂલો રીઓપન થઈ રહી છે. તે સારી બાબત છે. દોઢ-બે વર્ષથી બાળકો શાળાએ ગયા નથી. તેઓની ફિઝીકલ એક્સરસાઈઝ થઈ નથી. શાળા, વાલી અને વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરે તો સ્કૂલો અવશ્ય ખૂલવી જોઈએ.