મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના વતની અને અમદાવાદમાં સ્થાયી થયા બાદ છેલ્લા ૧૭ દિવસથી કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકને જાણે કે મૃત્યુનો અણસાર આવી ગયો હોય તેમ ગોંડલમાં મિત્રોને વીડિયો કોલ કરીને બાય બાય કહ્યું હતું. જો કે થોડાંક સમય પછી યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે ગોંડલમાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
જાણે કે અંતિમ સમય નજીક આવી ગયો હોય તેની ખબર પડી હોય તેમ યુવક સોશિયલ મીડિયા પર લાઈવ થયો હતો. તેમાં ગોંડલના મિત્રો પણ જોડાયા હતા. આ વિડીયો બાદ દિપક કાનજીભાઈ વીરડિયાએ અનંતની વાટ પકડી લીધી હતી.
છેલ્લા ૧૭ દિવસથી યુવકની કોરોનાની સારવાર ચાલી રહી હતી, હજુ તો બે દિવસ પહેલા જ દિપકભાઈએ ગોંડલમાં પોતાના નજીકના મિત્ર સાથે વાત કરી હતી. જો કે મિત્રએ કહ્યું પણ હતું કે તને રવિવારે આવીને તેડી જઈશું. અલબત્ત તે પછી સોશિયલ મીડિયા પર લાઈવ થઈને મિત્રોને બાય બાય કર્યુ હતું. તે પછી દિપકભાઈનું સારવાર દરમ્યાન નિધન થયું હતું.