છેલ્લા થોડા દિવસથી કોવિડ વૅક્સિન ફરીથી સુરખીઓમાં છે. બધાં જ ખોટાં કારણોસર! એક, રસીકરણ ઓછું થઇ રહ્યું છે. બે, રસીના ડોઝ વપરાયા વગર ફેંકી દેવા પડ્યા. ત્રણ, નવા સ્ટ્રેઇન સામે રસી પાણી જેવી પુરવાર થશે! આવી બધી વાતોમાં રસીની ઉપયોગિતાની વાત ઢંકાઈ જાય છે. પહેલા બે સમાચારનું કારણ એ હોઈ શકે કે કોવિડનું બીજું મોજું એટલું ભારે આવ્યું કે સ્વાસ્થ્ય સેવાઓ બધી એમાં જોતરાઈ ગઈ અને રસીકરણ માટે સ્ટાફ ખૂટી ગયો. પણ રસી પાણી જેવી પુરવાર થશે એનો હજુ સુધી કોઈ પુરાવો નથી – એનાથી ઊલટું રસી અસરકારક છે એના ઘણા પુરાવા છે.
તો આ રસી અસર કરે છે એમ કેવી રીતે કહી શકાય?
16મી જાન્યુઆરીએ રસીકરણ શરૂ થયું ત્યારે મારા જેવા સ્વાસ્થ્યકર્મીઓને એનો પહેલો લાભ મળ્યો. તે પછી વધુ વિશ્વાસ સાથે અમે કોવિડની સારવારમાં લાગી ગયા. બીજા વેવમાં ગયા વર્ષની સરખામણીમાં આરટીપીસીઆર ટેસ્ટમાં વાઇરલ લોડ – કીટાણુઓની માત્રા ઘણી વધારે દેખાવા માંડી. મારા જેવા ઘણા ડૉક્ટરોને ટેસ્ટ પોઝિટિવ તો આવ્યો જ પણ વાઇરલ લોડ, ગયા વર્ષની સરખામણીમાં ડબલ હતો! આટલું અતિ તીવ્ર સંક્રમણ કદાચ નવા સ્ટ્રેઇનને લીધે જ હતું અને તે છતાં બધાંને ઘણાં ઓછાં ચિહ્નો હતાં – એકદમ માઈલ્ડ કહી શકાય એવી બીમારી અમને આવી જેનો શ્રેય વેક્સિનને જાય છે. સુરતમાં મને કે મારા ડૉક્ટર મિત્રોને સીટી સ્કેનમાં નોર્મલ અથવા 5%જેટલી જ ખરાબી જોવા મળી અને કોઈને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત પડી નહીં.
પણ ઇન્ફેક્શન લાગ્યું તો ખરું ને? રસી લેવા છતાં?
રસીથી ઘણા કેસમાં ઇન્ફેક્શનથી બચી શકાય છે પણ જો વધુ સંક્રમણને લીધે ઇન્ફેક્શન લાગે તો પણ તે માઈલ્ડ સુધી સીમિત રહે છે અને દર્દીને દાખલ કરવાની મોટે ભાગે જરૂર પડતી નથી અને એ યાદ રાખવું જરૂરી છે કે આમાંનાં ઘણાં લોકો – હાઈ રિસ્ક કહી શકાય એવાં હતાં – વધારે ઉંમર, કો-મોર્બિડીટી અને દર્દીઓના કોન્ટેક્ટને લીધે વધુ તીવ્ર સંક્રમણ.
તો કઈ રસી મુકાવવી જોઈએ? તેની કંઈ આડઅસર નથી ને?
વોટ્સએપ પર એક સારો જોક છે કે ફાઇઝર કંપનીએ બનાવેલી વાયેગ્રા લેતાં પહેલાં કોઈ આડઅસર પૂછતું નથી પણ તેની વેક્સિન માટે બધાંને આડઅસરની ચિંતા છે! જોક બાજુ પર રાખીએ – બે દિવસ સુધી હલકી આડઅસર – તાવ, શરદી વગેરે જોવા મળે છે. તે સિવાય સ્વસ્થ લોકો માટે દરેક વૅક્સિન સેફ છે. મોટા ભાગના બીજી બીમારીઓ ધરાવતાં લોકો આ વેક્સિન લઇ શકે છે – તે છતાં જો તમને ઘણી તકલીફ હોય અને બહુ દવા ચાલતી હોય તો તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો.
બધી જ રસીઓ 70% થી વધુ અને મૉટે ભાગે 90%અસરકારક પુરવાર થઇ છે એટલે જે રસી સહેલાઈથી અને જલ્દી મળતી હોય તે લઇ શકાય. બહુ ભીડભાડવાળા કેમ્પમાં જવાનું બને તો ટાળો કારણ કે એમાંથી પણ સંક્ર્મણ થઇ શકે છે!