લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત અને છ(૬) તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી તા.૨૮-૨-૨૦૨૧ના રોજ યોજવાની છે.
જેમાં ઉમેદવારીપત્રો ભરવાની આજ તા. ૮/૨/૨૦૨૧ના રોજથી શરૂઆત થઇ ગઇ છે ત્યારે આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા૨ ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડે જણાવ્યું છે.
મહીસાગર-લુણાવાડાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડે જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. તેમણે કહ્યું કે, રાજય ચૂંટણી પંચ દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૧ના રોજ નગરપાલિકાઓ, જિલ્લાક પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
આજે તા. ૮મી ના રોજથી વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૧૩/૦૨/૨૦૨૧ છે. તા.૧૫/૦૨/૨૦૨૧ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.૧૬/૦૨/૨૦૨૧ છે અને તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે.
તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કોવિડ પોઝીટીવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ પણ ઉમેદવારી પત્ર ભરી શકે છે. જો કોવિડ પોઝીટીવ ઉમેદવાર જાતે જ ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરી પી.પી.ઇ. કીટ પહેરીને ઉમેદવારી પત્ર ભરી શકે છે.
તેમણે કહ્યું કે, ઉમેદવારની જેમ પોઝીટીવ મતદારે પણ મતદાન કરવા માટે અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોરોના પોઝીટીવ વ્યક્તિ પી.પી.ઇ. કીટ પહેરીને મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન મતદાન કરી શકશે. જેનાથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ અને સામાન્ય મતદારોની પણ સુરક્ષા સુનિશ્વિત કરી શકાય.
કલેકટરએ ઉમેદવારો પાંચ થી વધુ સંખ્યામાં ટુકડી બનાવી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં અને મતદારો પણ મતદાન કરવા આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને આવે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે રીતે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં
આવી છે.
સભા, સરઘસ કે રેલીમાં કોવિડ-૧૯ ની એસ.ઓ.પી. નું ફરજીયાત પાલન કરવાનું રહેશે. રોડ શો માં પાંચ થી વધારે વાહનો રાખી શકાશે નહીં તેમ જણાવ્યું હતું. કલેકટર બારડે જણાવ્યું છે કે, ઉમેદવારે ફોર્મની સાથે જન્મ તારીખ અને જાતિનો દાખલો, સ્થાનિક સ્વરાજયનું દેવું બાકી નથી, શૌચાલય, બે બાળકો અંગેના જરૂરી સોગંદનામા સહિત નિયત ડિપોઝીટની રકમ ફોર્મની સાથે જમા કરાવવાની રહેશે.
જિલ્લાન પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂા. ૪,૦૦,૦૦૦/- સુધીનો જયારે તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂા. ૨,૦૦,૦૦૦/- સુધીનો ખર્ચ કરી શકશે અને તેનો રોજે રોજ હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો રહેશે. કલેક્ટરએ મતદારોને આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે.