Editorial

કોવિડ-૧૯ ભલે હવે વૈશ્વિક કટોકટી નથી, આરોગ્ય માટેના જોખમ તરીકે તે હજી ચાલુ રહેશે

વિશ્વ આરોગ્ય સંગઠને હાલમાં જાહેર કર્યું છે કે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો હવે વૈશ્વિક કટોકટી નથી. સંયુક્ત રાષ્ટ્રોની આ જ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળાને વૈશ્વિક કટોકટી તરીકે જાહેર કર્યો તેના ત્રણ વર્ષ કરતા વધુ સમય પછી આ સંસ્થાએ આ રોગચાળો ખૂબ જ મંદ પડી ગયો હોવાના દેખીતા સંકેત સાથે આ રોગચાળાને વૈશ્વિક કટોકટી તરીકે નહીં ગણવાના તેના નિર્ણયની જાહેરાત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો રોગચાળો હવે એક વૈશ્વિક કટોકટી તરીકે ગણાવવા લાયક નથી, તે સાથે આ વિનાશક કોરોનાવાયરસ રોગચાળાનો પ્રતિકાત્મક અંત આવ્યો છે.

જેણે વિચારી નહીં શકાય તેવા લોકડાઉનો સર્જ્યા હતા, વિશ્વભરના અર્થતંત્રને ખોરવી નાખ્યું હતું અને વિશ્વભરમાં ઓછામાં ઓછા ૬૮ લાખ લોકોના મૃત્યુ આ રોગચાળામાં થયા છે. એક રહસ્યમય રોગ જ્યારે ૨૦૧૯ના ડીસેમ્બરમાં મધ્ય ચીનના વુહાન શહેરમાં સૌપ્રથમ દેખાયો ત્યારે તેની ચર્ચાઓ દુનિયાભરના દેશોમાં શરૂ થઇ, એવી અટકળો તો થવા માંડી જ હતી કે આ રોગચાળો ચીનની બહાર પણ ફેલાઇ શકે છે, પણ કદાચ દુનિયાના મોટા ભાગના લોકોને તે સમયે ખ્યાલ ન હતો કે આ રોગચાળો ચીનની બહાર ફેલાશે પછી દુનિયાભરમાં હાહાકાર મચાવી દેશે.

તે સમયે એવું અનુમાન રાખવામાં આવતું હતું કે સાર્સની માફક થોડાક દેશોમાં બહુ બહુ તો થોડાક હજારના મૃત્યુઓ નિપજાવીને આ રોગચાળો અટકી જશે, પણ તેણે તો ૨૦૨૦ના માર્ચ મહિનાથી તો હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો, જોત જોતામાં તેના કેસો હજારો, તેના પરથી લાખો પર અને પછી તો કરોડો પર પહોચ્યા. અને મૃત્યુઆંક સેંકડો પરથી હજારો પર અને પછી લાખો પર પહોંચ્યો. આજની તારીખ સુધીમાં દુનિયાભરમાં આ રોગના ૬૮ કરોડ કરતા વધુ કેસો થઇ ગયા છે અને ૬૮૭૯૦૦૦ કરતા વધુ લોકોનાં તેનાથી કે તેને સંલગ્ન કારણોથી મૃત્યુઓ નિપજ્યા છે.

ચીનની બહાર અમેરિકા, ભારત, બ્રાઝિલ, સ્પેન, યુકે જેવા દેશોમાં તો આ રોગે ઘણો જ હાહાકાર મચાવ્યો. સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા બન્યો, જેના પછી ભારતનો ક્રમ આવે છે. અમેરિકાએ સખત લૉકડાઉન અમલી બનાવ્યું ન હતું, જ્યારે ભારતે ચીન પછી કદાચ વિશ્વમાં સૌથી વધુ સખત લૉકડાઉન અમલી બનાવ્યું હતું. માર્ચ ૨૦૨૦માં શરૂ થયેલા સંપૂર્ણ લૉકડાઉનના દિવસો મોટા ભાગના લોકોને હજી પણ યાદ હશે. સખત લૉકડાઉન છતાં ભારતમાં કેસો તો વધ્યા જ, નિયંત્રણો હળવા બન્યા પછી અને રસીકરણ શરૂ થયા પછી શરૂ થયેલી બીજી લહેરમાં તો ભારતમાં હાહાકાર મચી ગયો. હવે જ્યારે આ રોગચાળો ઘણો મંદ પડી ગયો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળો હવે વૈશ્વિક કટોકટી નથી તેવી જાહેરાત કરી છે તેનાથી ઘણાને હાશકારો થશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ જણાવ્યું હતું કે જો કે ઇમરજન્સીનો તબક્કો પુરો થયો છે ત્યારે આ રોગચાળાનો હજી અંત આવ્યો નથી, અને તેણે તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં આ રોગના કેસોમાં આવેલા ઉછાળાની નોંધ લીધી હતી. યુએનની આ આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે હજારો લોકો હજી પણ આ વાયરસથી દર સપ્તાહે મરી રહ્યા છે. ઘણી આશા સાથે હું કોવિડ-૧૯ની વૈશ્વિક આરોગ્ય કટોકટીના અંતની જાહેરાત કરું છું એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ના ડિરેકટર જનરલ ટેડ્રોસ અધાનોમે કહ્યું હતું.

આનો અર્થ એ નથી કે કોવિડ-૧૯ એ વૈશ્વિક આરોગ્ય ખતરા તરીકે પુરો થાય છે એમ તેમણે જણાવવાની સાથે ઉમેર્યુ હતું કે તેઓ કોવિડ-૧૯ની સ્થિતિની ફેર સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની બેઠક ફરી બોલાવતા ખચકાશે નહીં. તેમની આ વાત નોંધપાત્ર છે. આ રોગચાળો હજી પણ વૈશ્વિક આરોગ્ય ખતરા તરીકે ચાલુ જ છે અને ઠીક ઠીક સમય સુધી રહેશે. પણ વ્યાપક રસીકરણ પછી અને તેથી પણ વધુ તો વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં હર્ડ ઇમ્યુનિટી ઉભી થવાને કારણે આ રોગચાળો હવે ખૂબ મંદ પડી ગયો છે.

ટેડ્રોસે જણાવ્યું હતું કે રોગચાળો એક વર્ષ કરતા વધુ સમયથી ડાઉનગ્રેડ ટ્રેન્ડમાં છે, અને તેમણે કબૂલ્યું હતું કે મોટા ભાગના દેશો કોવિડ-૧૯ પહેલાના જીવન તરફ પાછા ફર્યા છે. હવે આ રોગના દર્દીઓ માટે આઇસોલેશન જેવા નિયમોનું પણ કેટલાક સ્થળે બહુ કડકાઇથી પાલન કરવામાં આવતું નથી અને તે યોગ્ય પણ છે. બીજા વાયરસજન્ય રોગોમાં બને છે તેમ હવે આ રોગ પણ મોટા પ્રમાણમાં મૃત્યુઓ નીપજાવનાર ભયાનક રોગ નહીં પણ એક ઋતુજન્ય રોગ જેવો રોગ બનીને રહી જવાની શરૂઆત થઇ ગઇ છે.

કોવિડ-૧૯ના રોગચાળાએ મોટા પ્રમાણમાં ધંધાઓ ખોરવી નાખ્યા છે અને લાખો લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ યુએનની આ આરોગ્ય એજન્સી હુએ કોરોનાવાયરસના આ રોગચાળાને આંતરરાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેર કર્યો તે સમયે હજી ચીનની બહાર આ રોગચાળો બહુ ફેલાયો ન હતો અને તેને કોવિડ-૧૯ નામ પણ અપાયું ન હતું. વિશ્વભરને ભરડો લીધા પછી હવે જ્યારે આ રોગચાળો ખૂબ મંદ પડી ગયો છે ત્યારે તેની સાથે જોડાયેલી અનેક કડવી અને વિશિષ્ટ યાદો લોકોની સ્મૃતિમાં જળવાઇ રહેશે. આશા રાખીએ કે હવે આવો બીજો કોઇ રોગચાળો દુનિયામાં નહીં આવે.

Most Popular

To Top