રાજ્યમાં હવે સતત કોરોનાના કેસો ઘટી રહ્યા છે, રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નહતું. રાજ્યમાં 21 દર્દીઓને સારવાર આપીને રજા આપી દેવાઈ હતી. હાલમાં રાજ્યમાં સારવાર હેઠળ 254 દર્દીઓ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 249 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે નવા 23 કેસો પૈકી અમદાવાદ મનપામાં 8, વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 2, જુનાગઢ મનપામાં 1, રાજકોટ મનપામાં 1 કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 814570 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં 10076 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રવિવારે રાજ્યમાં 3.73 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 47903 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉમરના 138772 લોકોને રસીનો બીજો ડોઝ, 18થી 45 વર્ષ સુધીના 57228 લોકોને રસીનો પહેલો ડોઝ અને 18થી 45 વર્ષ સુધીના 111509 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રન્ચ લાઈન વર્કરને પણ રસી અપાઈ હતી.