Business

કોરોનાના બે વર્ષ પછી ગણેશઉત્સવમાં 300 કરોડનો વેપાર થવાની શકયતા

સુરત: કોવિડ-19 (Covid-19) કોરોના સંક્રમણનાં (Transition) બે વર્ષ પછી (After Two Years) સુરતીઓ ગણેશોત્સવ (Ganesha Festival) ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે. એને લીધે છેલ્લાં બે વર્ષથી ભીંસમાં મુકાયેલી કેટરિંગ (Catering) અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ( Event Industry) મોટી રાહત મળશે. કોરોનાનાં બે વર્ષ પછી ગણેશોત્સવમાં 300 કરોડનો (300 Crores) વેપાર થવાની શક્યતા છે. કોરોનાનાં બે વર્ષ પછી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી, કેટરિંગ સર્વિસ, માળી, મંડપનું કાપડ બનાવનાર વેપારીઓ, ટ્રાન્સપોર્ટરને સારો વેપાર મળશે એવી આશાઓ જાગી છે. ગણેશોત્સવ પર્વ નિમિત્તે લાઇટિંગ, ડેકોરેશન, ડીજે, ટેમ્પો, ટ્રેલર, થિમ મંડપ, ઓરકેસ્ટ્રા, ફૂલહાર, જમણવાર પાછળ મોટો ખર્ચ થતો હોય છે. સુરતીઓ ઉત્સવપ્રેમી હોવાથી મહારાષ્ટ્રમાં મુંબઇ પછી ગુજરાતમાં સુરતમાં આ પર્વની 10 દિવસ સુધી રંગેચંગે ઉજવણી થાય છે.

સુરતમાં નાની-મોટી 70,000 ગણેશ પ્રતિમા પંડાળમાં અને ઘરે સ્થાપિત થવાનો અંદાજ
સરકારે આ વર્ષે ગણેશઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે કોઈ બંધનો ઊભાં કર્યાં નથી. 9 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવાની છૂટ આપી છે. 1942માં ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથના દિવસે લોકોને ભેગા કરીને અંગ્રેજી હુકુમત સામે લડવા માટે સુરતમાં પ્રથમવાર હિન્દુ મિલન મંદિર દ્વારા સાર્વજનિક ધોરણે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી સુરતમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે. આ વર્ષે સુરતમાં નાની-મોટી 70,000 ગણેશ પ્રતિમા પંડાળમાં અને ઘરે સ્થાપિત થવાનો અંદાજ છે. આ મહોત્સવ દરમ્યાન પ્રસાદ, છપ્પનભોગ, ફૂલહારની પરંપરા પણ ચાલતી આવી છે. ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન એક ગણેશ આયોજક ગ્રુપ દ્વારા અંદાજે દૈનિક 10,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આયોજકો ડીજે, ઢોલ-નગારાં થિમ, ડ્રેસ કોડ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે
સુરતમાં મોટાં ગણેશ આયોજકમંડળો રોજ 2થી 3 લાખનો ખર્ચ પણ કરે છે, જેમાં ડેકોરેશન, લાઇટિંગ, ફૂલહાર પાછળ મોટો ખર્ચ થાય છે. ભૂતકાળમાં વિસર્જનનો ક્રેઝ હતો. હવે ગણેશ સ્થાપના વખતે આગમન યાત્રામાં જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આયોજકો ડીજે, ઢોલ-નગારાં થિમ, ડ્રેસ કોડ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. એક અંદાજ મુજબ 100થી 125 કરોડનો ખર્ચ થાય છે. સ્થાપના અને વિસર્જન વખતે ટ્રેક્ટર, ટ્રેલર, ટેમ્પો, ટ્રક જેવાં વાહનો પાછળ પણ વધુ ખર્ચ થાય છે. ડીજે, ઓરકેસ્ટ્રા, પંડાલ સેટઅપ, ફૂલહારનો ખર્ચ વધુ થાય છે. કેટલાંક મંડપમાં રોજેરોજ ભોજન સમારોહ ચાલે છે. એ ઓર્ડર નાના કેટરર્સને આપવામાં આવે છે. બે વર્ષ પછી આ ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળે એવા સંકેતો મળી રહ્યા છે.

Most Popular

To Top