વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો કોરોના વાયરસ શબ્દ આખા વિશ્વમાં ચર્ચાતો થઇ ગયો. વુહાનમાંથી જે રોગચાળો શરૂ થયેલો હોવાનું કહેવાય છે તે જોતજોતામાં વિશ્વભરમાં ફેલાવા માંડ્યો.
આ રોગચાળો કોરોના વાયરસજન્ય રોગચાળો છે એવું સાબિત થયું. આ વાયરસથી થતાં રોગને કોવિડ-૧૯ નું નામ અપાયું અને આ રોગના ઉદ્ભવ અંગે પણ ચર્ચાઓ શરૂ થઇ. આ વાયરસ અંગે ચીને શરૂઆતમાં ઢાંકપિછોડા કર્યા હોવાના તથા આ ઢાંકપિછોડામાં તેને વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ સાથ આપ્યો હોવાના આક્ષેપો ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના લોકોએ કર્યા.
આ વાયરસ માનવસર્જિત હોવાના આક્ષેપો પણ થયા અને આ વાયરસ વુહાનની એક લેબોરેટરીમાંથી લીક થયો હોવાની વાત પણ ફેલાઇ. સ્વાભાવિક રીતે ચીને આ આક્ષેપો નકાર્યે રાખ્યા. જો કે વાયરસ માનવસર્જિત હોવાના આક્ષેપોને તો ઘણા દેશોએ બહુ મહત્ત્વ આપ્યું નહીં પરંતુ આ રોગચાળાની શરૂઆતમાં ચીને તેના પર ઢાંકપિછોડા કર્યા હતા તેવી ઘણા દેશોને શંકા હતી અને વાયરસના ઉદ્ભવ અંગે વિસ્તૃત તપાસ માગતો એક વૈશ્વિક ઠરાવ પસાર થયો, જેના પર ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોએ હસ્તાક્ષર કર્યા.
શરૂઆતમાં તો ચીને હુ ની નિષ્ણાત સમિતિ પાસે તપાસ કરાવવા આનાકાની કર્યે રાખી, બાદમાં વૈશ્વિક દબાણની સામે ઝૂકી જઇને તેણે આ તપાસ માટે તૈયારી બતાવી. ચીન ગયેલી હુ ની ટીમે હવે હાલમાં પોતાની પ્રાથમિક તપાસ પૂરી કરી અને એવું તારણ આપ્યું કે આ વાયરસ ચીનની લેબોરેટરીમાંથી લીક થયો નથી અને ડિસેમ્બર પહેલાં આ વાયરસજન્ય રોગના અસ્તિત્વના કોઇ પુરાવા પણ મળ્યા નથી.
કોરોના વાયરસ ચીનની એક લેબોરેટરીમાંથી લીક થયો હોય તેવી શક્યતા જણાતી નથી અને વધુ શક્યતા એ જણાય છે કે આ વાયરસ પ્રાણીમાંથી માણસોમાં પ્રવેશી ગયો હોય એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના એક નિષ્ણાતે જણાવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ના સેફટી અને એનિમલ ડિસીઝના નિષ્ણાત પીટર બેન એમબેરેકે મધ્ય ચીનના વુહાન શહેરની મુલાકાતના અંતે આ નિવેદન કર્યું હતું.
જ્યાં વૈજ્ઞાનિકોની એક ટુકડી આ કોરોના વાયરસના સંભવિત ઉદ્ભવ અંગેની તપાસ કરી રહી હતી. ડિસેમ્બર ૨૦૧૯ માં પ્રથમ કેસ આ શહેરમાં જ શોધાયો હતો. વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા ઘણા વાયરસ સેમ્પલો ભેગા કરવામાં આવ્યા હતા, જેના પગલે એવા આક્ષેપો થયા હતા કે આ લેબોરેટરીમાંથી જ વાયરસ આજુબાજુની વસ્તીમાં લીક થઇને રોગચાળો શરૂ થયો હોઇ શકે છે.
ચીને આ શક્યતા મજબૂત રીતે નકારી કાઢી હતી તથા એવી અન્ય થિયરીઓ રજૂ કરી હતી કે આ વાયરસ અન્ય ક્યાંક ઉદ્ભવ્યો હોઇ શકે છે. ટીમ એવી ઘણી થિયરીઓ વિચારી રહી છે કે કઇ રીતે આ રોગ પ્રથમ વખત માણસમાં આવ્યો.
અમારાં પ્રાથમિક તારણો એમ સૂચવે છે કે વચેટિયા હોસ્ટ પ્રજાતિમાંથી આ વાયરસ માણસમાં આવ્યો હોઇ શકે છે અને આમાં વધુ અભ્યાસ અને વધુ લક્ષિત સંશોધનની જરૂર રહેશે એમ એમ્બેરેકે જણાવ્યું હતું. આ વાયરસ ચામાચીડિયામાંથી કોઇ વચેટિયા પ્રાણીમાં અને તેમાંથી માણસમાં પ્રવેશ્યો હોવાની શક્યતા વધારે જણાય છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.
લેબોરેટરીમાંથી વાયરસ લીક થયો હોવાની થિયરીમાં કોઇ વજૂદ જણાતું નથી અને તેના પર ભવિષ્યમાં તપાસ કરવામાં આવશે નહીં એમ તેમણે કહ્યું હતું. તેમનું આ નિવેદન ઘણાને ઉતાવળિયું લાગી શકે છે અને તેનાથી વિવાદ પણ સર્જાઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય ચીનમાંથી નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુ થી થતા રોગ કોવિડ-૧૯ નો રોગચાળો કઇ રીતે શરૂ થયો તેની તપાસ કરવા માટે ‘હુ’ની એક ટીમ ચીન ગઇ હતી જેમાં વિશ્વના દસ દેશોના નિષ્ણાતોનો સમાવેશ કરાયો હતો. આ ટીમે પોતાની પ્રાથમિક તપાસ પુરી કરી છે.
એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે અમે પુરી તપાસ કરી શક્યા નથી પરંતુ એવા કોઇ સંકેતો મળ્યા નથી કે ડિસેમ્બર, ૨૦૧૯ ના બીજા અર્ધ ભાગથી પહેલાં આ વાયરસનો રોગચાળો મોટા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતો હતો. આ ટીમના સભ્ય એવા એક બ્રિટિશ મૂળના સંશોધકે જણાવ્યું હતું કે અમને ધારણા કરતાં વધુ પારદર્શિતા જણાઇ હતી અને તે તમામ સ્થળો અને વ્યક્તિઓની મુલાકાત અમને લેવા દેવાઇ હતી, જેની અમે માગણી કરી હતી.
બીજી બાજુ કેટલાક પશ્ચિમી મીડિયા અહેવાલો એમ જણાવે છે કે હુ ની ટીમને પત્રકારોથી દૂર જ રાખવામાં આવી હતી અને આ ટીમે જ્યાંથી રોગચાળો શરૂ થયો તે વુહાનની માંસ માર્કેટમાં તો માંડ એક કલાક ગાળ્યો હતો. તેણે જાત જાતનાં નિયંત્રણો વચ્ચે કામગીરી કરી હોવાના પણ આક્ષેપો થાય છે, તો બીજી બાજુ આ ટીમના સભ્યો પોતાને પૂરતી છૂટ અપાઇ હોવાની વાત કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ) અને ચીનની મિલીભગતના આક્ષેપો થાય છે અને બીજી બાજુ હુ ની તટસ્થતાની વાતો પણ થાય છે. આ બધા વિવાદો વચ્ચે આ નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુ નો ઉદ્ભવ ખરેખર કઇ રીતે થયો તેના પર સંશોધનની અગત્યની વાતો દબાઇ જાય છે. ખરેખર તો ભવિષ્યના અન્ય સંભવિત વાયરસ આક્રમણોને સમજવા અને ખાળવા માટે પણ આ સંશોધન જરૂરી છે પણ વિવાદોના હઇસો હઇસો વચ્ચે લાગે છે કે કોરોના વાયરસજન્ય કોવિડ-૧૯ ના ઉદ્ભવ અંગેનાં રહસ્યો કદાચ ક્યારેય નહીં ખુલે.