કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ની સારવાર માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે લક્ષણ વગરના દર્દીઓએ હવે આ રોગની સારવાર માટે દવાની જરૂર નથી. નવી માર્ગદર્શિકા મુજબ જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ જણાતા નથી અથવા તો હળવા લક્ષણો છે તેમાં કોઇ પણ દવા લેવાની જરૂર નથી, જો કે બીજા રોગોની જે દવાઓ ચાલે છે તે ચાલુ રાખવી જોઇએ. લક્ષણ વગરના કે હળવા લક્ષણ વાળા દર્દીઓએ ટેલિ કન્સલ્ટેશન લેવી જોઇએ. સારો ખોરાક લેવો જોઇએ અને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા જરૂરી નિયમોનું પાલન કરવું જોઇએ. ડીજીએચએસ દ્વારા નવી માર્ગદર્શિકામાંથી લક્ષણ વિહીન દર્દીઓ માટેના ઉપયોગની તમામ દવાઓ લિસ્ટમાંથી દૂર કરી છે, જેમાં શરદી અને તાવની દવાઓનો પણ સમાવેશ થાય છે. આરોગ્યપ્રદ ભોજન અને હકારાત્મક વિચારોથી સાજા થઇ જવાશે એમ જણાવાયું છે.
આ પહેલી વખત થયું નથી કે જ્યારે દેશમાં કોવિડ-૧૯ અંગેની સારવાર માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ કોવિડ-૧૯ની સારવાર માટેની માર્ગદર્શિકાઓમાં અનેક વખત ફેરફારો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર દ્વારા કોવિડ-૧૯ની સારવાર માટેની ક્લિનિકલ એડવાઇઝરીમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ની સારવાર માટેની કોઇ ચોક્કસ દવાઓ હજી ઉપલબ્ધ નથી. રસીઓ બની છે પણ દવા હજી શોધી શકાઇ નથી ત્યારે અન્ય કેટલીક એન્ટિવાયરલ દવાઓ આ કોરોનાવાયરસજન્ય રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે, એટલું જ નહીં, બેકટેરીયાજન્ય રોગોની સારવાર માટે વપરાતી કેટલીક એન્ટિબાયોટિક દવાઓ પણ કોવિડ-૧૯ની સારવાર માટે કે રસી શોધાઇ ન હતી ત્યારે કોવિડ-૧૯ સામે રક્ષણ માટે અજમાવવામાં આવી હતી!
ગયા વર્ષે રોગચાળાની શરૂઆતના મહિનાઓમાં જ્યારે રસીઓ શોધાશે કે કેમ? તે બાબતે પણ શંકાઓ હતી તેવા સમયે ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ની સારવાર માટે શરૂઆતમાં એચઆઇવીની સારવાર માટે વપરાતી રેટિનોવાયર અને લોપિનોવાયર જેવી દવાઓની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ દવાઓ ક્લિનિકલ મેનેજમેન્ટ એડવાઇઝરીમાંથી દૂર થઇ ગઇ. કોવિડની સારવાર માટે એઝિથ્રોમાઇસીનની ભલામણ પણ થઇ. માથાની જૂ દૂર કરવા માટેની આઇવરમેકટિન પણ એક ઉપાય તરીકે અજમાવવામા આવી. પછી ઇબોલા વાયરસ માટેની રેમડેસિવિરનું ચલણ શરૂ થયું જે અત્યારે તો ખૂબ જોરશોરથી ચાલે છે. ટૂંકમાં આ કોવિડ-૧૯ની સારવાર માટે ભારતમાં અને વિશ્વમાં જુદી જુદી અનેક દવાઓ અજમાવવામાં આવી છે અને તેમાં આયૃર્વેદ, નેચરોપથી વગેરેના નિષ્ણાતો દ્વારા રજૂ કરાતી દવાઓ તો જુદી.
ફક્ત દવાઓની બાબતમાં જ નહીં કોવિડ-૧૯ સંદર્ભમાં બીજા પણ અનેક ગુંચવાડાઓ અને અંધાધૂ઼ંધી રહ્યા છે. ખુદ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ આ રોગ અંગેની માર્ગદર્શિકા અનેક વખત બદલી છે તો અમેરિકાની ટોચની અને વિશ્વ પ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સીડીસીએ પણ આ રોગ અંગેની પોતાની માર્ગદર્શિકાઓ અનેક વખત બદલી છે. કોરોનાવાયરસ હવામાં ફેલાય છે કે દર્દીના નજીકના સંપર્કથી ફેલાય છે વગેરે બાબતોએ લાંબા સમય સુધી ગુંચવાડો રહ્યો છે. કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ હવા મારફતે ફેલાતો હોવા બાબતે લાંબા સમય સુધી હુએ ઇન્કાz કર્યા બાદ હવે તેણે પોતાની છેલ્લી માર્ગદર્શિકામાં આ વાયરસ હવા મારફતે ફેલાતો હોવાની વાત સ્વીકારી છે અને તે મુજબ કાળજી રાખવાની સલાહો જારી કરી છે.
માસ્ક વડે કોરોનાવાયરસ સામે કેટલું રક્ષણ મળી શકે? અને કયા પ્રકારના માસ્ક પહેરવા અને કઇ જગ્યાઓએ માસ્ક પહેરવા, કોણે પહેરવા અને કોણે નહીં પહેરવા તે અંગે લંબાણપૂર્વકની ચર્ચાઓ થતી રહી છે અને તેમાં પણ હજી સુધી ચોકકસ કોઇ તારણ પર પહોંચી શકાયું નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગ કેટલું ઉપયોગી નીવડી શકે અને કેટલું અંતર રાખવું તે બાબતે પણ મતભેદો રહ્યા છે. સાચી વાત તો એ છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનો ખયાલ જ ઘણે અંશે અવ્યવહારુ પુરવાર થયો છે અને તેનું વહેવારુ અમલીકરણ મોટે ભાગે તો શક્ય બની શકતું જ નથી. કોવિડ-૧૯નો ફેલાવો રોકવા માટે લૉકડાઉન જેવા નિયંત્રણો કેટલી હદે ઉપયોગી બની શકે? અને આ નિયંત્રણો લાદવા કે નહીં તે અંગે તો વિશ્વભરમાં વ્યાપક વિવાદો થયા છે.
અને છેલ્લે, સૌથી વધુ વિવાદ તો આ કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ઉદભવ અંગે રહ્યો છે. આ રોગ કઇ રીતે ઉદભવ્યો, તેનો વાયરસ કોઇક ચામાચિડીયા જેવા પ્રાણીમાંથી માણસમાં આવ્યો કે પછી આ વાયરસને લેબોરેટરીમાં ઇરાદાપૂર્વક વિકસાવવામાં આવ્યો છે વગેરે બાબતોએ ભારે વિવાદ રહ્યો છે. ચીન સામે આ અંગે આક્ષેપો થાય છે જે સ્વાભાવિકપણે ચીન નકારી કાઢે છે તો બીજા પણ ઘણા ચીનના બચાવમાં ઉતરી આવે છે. જો કે આ વાયરસ લેબોરેટરીમાં જ વિકસાવાયો છે તે બાબતે પણ હજી સુધી સ્પષ્ટ કહી શકાય તેમ તો છે જ નહીં. એવું લાગે છે કે કદાચ આ કોરોનાવાયરસના ઉદભવ અંગેનું રહસ્ય તો કદાચ ક્યારેય ઉકેલાશે નહીં અને તે અંગેનો વિવાદ ચાલુ જ રહેશે. અગાઉ પણ જુદા જુદા રોગો અંગે વિવાદો થયા છે પણ આ કોવિડ-૧૯ અંગે જેવા અને જેટલા વિવાદો અને ગુંચવાડા થયા તેવા અને તેટલા બીજા કોઇ રોગ માટે થયા નહી હશે.