Comments

કમળની પાંદડીઓ પર ઢંકાતી પંજાની આંગળીઓઃ ચૂંટણીલક્ષી બજેટની ગોઠવાતી લોલીપોપઃ બધો મદાર યુપી પર

ગુજરાતને બરબાદ કરી નાખનાર કારમો કોરોના હવે ઓછો થવા લાગ્યો છે. તેનાથી ખુશખુશાલ થઇ ગયેલી રાજ્યની સરકારે એક પછી એક પ્રતિબંધો હટાવવા માંડ્યા છે. આમેય પહેલેથી આવા પ્રતિબંધોને નહીં ગણકારતા રાજકીય પક્ષો (ખાસ તો ભાજપ)ના કાર્યકરો અને નેતાઓ આજકાલ વધુ ખુશખુશાલ જણાય છે. ભલે ને કોરોના લાગુ પડે, પણ માસ્ક પહેરવાના નિયમને પણ તેઓ ક્યાં ગણકારે છે? ભાજપમાં ભળવા માટે આજકાલ ટોળાભેર ઊભેલા કોંગ્રેસના સુજ્ઞ કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવી દેવાની એમને તો ચાનક ચડેલી છે. કોરોના ગાઇડલાઇન હળવી થઇ જાય તો આવા ખેસ ઓઢાડતી વખતે એમને સુગમતા રહે. વહી રહેલા પ્રવાહનાં વહેણ ઝડપી બન્યાં છે. જેમ જેમ ડિસેમ્બર 2022 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા આવનારાઓની સંખ્યા વધતી જાય છે.વાતાવરણની આજકાલ વધવા લાગેલી ગરમીમાં આ હિલચાલમાં પણ ગરમી આવેલી જણાય છે. એક આકલન પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં રાજ્યના 21 ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઇ ગયા છે.

કોંગ્રેસમાંથી કોઇને ભાજપમાં નહીં લઇએ એવું શરૂઆતમાં કહેનારા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હવે તો આની છોછ રાખતા જણાતા નથી. કમળની પાંદડીઓ પંજાની આંગળીઓ બહુ ઢંકાઇ ન જાય એની ઘણાને ચિંતા થવા લાગી છે. હા, એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારને આવકારવાથી કોંગ્રેસનું જોર ઘટે એમ છે અને ભાજપને જે તે સેગમેન્ટમાં ફાયદો થાય એમ છે એવી ગણતરી જરૂર રખાઇ રહી છે. મોવડીમંડળના પુણ્ય પ્રતાપે ગુજરાતમાં નો-રિપીટ થિયરીનો કોરડો વીંઝીને પ્રદેશ નેતાગીરી માની રહી છે કે જૂના ભાજપીઓ વશમાં છે. કોઇ કંઇ ઊંચા નીચા થતા નથી. હા, રાજકોટના પેલા માજી મંત્રી અને વતર્માન ધારાસભ્ય જેવાઓ પોલીસ અધિકારીઓના ભ્રષ્ટાચારો સહિતના મુદ્દે ભડાસ ઠાલવીને સનસનાટી જરૂર ઊભી કરે છે. પરંતુ જોવાની વાત એ છે કે રાજ્યના તખતા પર આવી સનસનાટીનું સુરસુરિયું ઝટ લઇને કરી દેવામાં આવે છે. રાજકોટના પેલા ચકચારી આક્ષેપકાંડમાં એવું જ બન્યું છે.

ક્યાં કોઇની સામે પગલાં ભરાયાં છે કે ક્યાં કોઇને કાઢી મૂકાયા છે! પરંતુ આવી આક્ષેપબાજી સૌરાષ્ટ્ર અને તેમાંય રાજકોટ ભણી જ ખાસ થાય છે એ પણ વિચારવા યોગ્ય છે. એક જાણીતી કંપનીની પેટા કંપનીની ટાઉનશીપ બનાવવા માટે રાજકોટમાં 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો. સામાન્ય સંજોગોમાં તકલીફ વખતે એકબીજાની વહારે દોડી જતા ભાજપના નેતાઓમાંનું કોઇ આવા આક્ષેપના બચાવમાં આવ્યું નહીં. રાજકોટ સિવાય રાજ્યના બીજા ભાગોમાં સબ બરાબર ચાલે છે એવી છાપ પણ જાણે ઉપાસાવાય છે. ગમે તેમ પણ કોંગ્રેસી નેતાઓને ચપોચપ કેસરિયા ખેસ ઓઢાડતી પાર્ટીમાં કંઇ બધું સમુસૂતરું નથી. ભાજપમાંથી જ ઊઠતી આવી આક્ષેપબાજીઓ ઘણું કહી જાય છે.

પાર્ટીમાં અંદરોઅંદર એવી ગુસપુસ પણ થતી રહે છે કે પેલા પેપરલીક કૌભાંડ જેવાં કારનામાં પ્રત્યેથી લોકોનું ધ્યાન બીજે ફંટાવવા માટે આવા ગુગલી ફેંકાતા રહે છે. પાછા હમણાંથી ભાજપના કેટલાક જૂના નેતાઓ ભ્રષ્ટાચારના મામલે અધિકારીઓને તતડાવી રહ્યા છે. અધિકારી વર્ગ તેનાથી નારાજ થાય છે. પણ કારણ ભલે અલગ હોય, પણ ઘણા ભાજપી નેતાઓ અંદરથી ખુશ થઇ રહ્યા છે. એવું નથી કે વિવાદી મુદ્દે જ ગુગલીઓ ફેંકાતા રહે, ઘણા ગુગલી તો સરકારની સામેય આવતા હોય છે. ભાજપમાંથી નહીં તો બહારથી પણ આવતા હોય છે.  રાજ્ય સરકાર દ્વારા ગયા જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટને કોરોનાનું ગ્રહણ લાગી ગયું ને સરકારે એને મોકૂફ રાખવી પડી.

હવે કહે છે કે ગુજરાતના સ્થાપના દિવસ તારીખ 1 લી મે થી આ સમીટ યોજવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. એ અગાઉ 10 થી 14 માર્ચ સુધી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો યોજવાનું ગોઠવાયું છે. પરંતુ એ તાકડે આ રશિયા-યુક્રેનનું યુદ્ધ ફાટી નીકળ્યું છે. આમ તો આ યુદ્ધને અને ડિફેન્સ એકસ્પોને કંઇ લાગેવળગે નહીં, પણ આ ડિફેન્સનો મામલો છે અને સાથે હાલની ગુજરાત સરકારનું નસીબ પાતળું છે. ક્યારે કોના નિસાસા લાગી જાય એનું કંઇ કહેવાય નહીં.

ગુજરાત સરકાર તો મે મહિનામાં વાઇબ્રન્ટ યોજવાનાં સપનાં જોવાની સાથે રાજ્ય સરકારના 2022-23 ની સાલના નવા બજેટની તૈયારીમાં પણ પડી છે. ચૂંટણીલક્ષી બજેટ કેવી રીતે સરસ બનાવવું એની કસરત ગાંધીનગરમાં ચાલી રહી છે.  ગાંધીનગરના પાદરે આવેલા ભાજપના પ્રદેશ મુખ્ય કાર્યાલય કમલમમાં નવાં નવાં લોકોને કેસરિયા ખેસ ઓઢાડવાનાં આયોજનો ભલે ને થતાં રહે। જ્યાં લગી ચૂંટણીલક્ષી બજેટનો સવાલ છે, તેમાં ગમે તેટલી લોલીપોપ લટકાવવામાં આવે, પણ સવાલ ઇમ્પ્લીમેન્ટેશનનો આવે છે. એક કારણ એ છે કે ગયા વર્ષના બજેટમાં સરકારે જંગી રોજગારી માટે આપેલા અનેક વાયદા કાગળ પર જ રહી ગયેલા છે. સરકારી-અર્ધસરકારી ઓફિસોમાં 5 વર્ષમાં બે લાખ અને ખાનગી ક્ષેત્રે 20 લાખ રોજગારીની તક ઊભી કરવાની જાહેરાત કરાઇ હતી.

ઉપરાંત શહેરી વિસ્તારોમાં ગંદા ઔદ્યોગિક પાણીનું પ્રદૂષણ દૂર કરવા 800 કરોડની યોજના, 2022 સુધીમાં શહેરી અને ગ્રામ કક્ષાએ દોઢ લાખ નવા આવાસો બનાવવાની યોજના જેવી કંઇક યોજનાઓ ઘડાઇ હતી, જે 2021-22 ના નાણાંકીય વર્ષના અંતે પૂરી થઇ નથી. આ તો એકાદ ઉદાહરણ માત્ર છે. આવું તો બીજા ઘણા વિષયોમાં થયેલું જણાયું છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ અમદાવાદ અને સુરતની જેમ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું આયોજન વિચારાયું હતું. પરંતુ અમદાવાદમાં હજુ એક નાના રૂટને બાદ કરતાં હજુ મેટ્રો શરૂ થઇ શકી નથી ને સુરતમાં તો હજુ ક્યારે સાકાર થશે એનું ચોક્કસ અનુમાન થઇ શકે એમ નથી. આવી ગરબડો કમ સે કમ આવતા ડિસેમ્બર સુધીમાં ન જ થાય એની રાજ્ય સરકારે તકેદારી રાખવી પડવાની છે.

જો કે હાલની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર તો જૂની રૂપાણી સરકારનો વાંક (અંદરખાને) કાઢી શકે એમ છે, પણ આખરે તો ભાજપનું શોકેસિંગ કરવાનું હોઇ જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ ખોટી ટાંટિયાખેંચમાંથી ભાજપવાળા જેમ બને તેમ જલદી બહાર આવે એ અનિવાર્ય છે. એમાં મોદી સાહેબ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવી જાય કે તરત માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતના ઇન્સ્પેક્શન માટે આવવાના છે, જેનો ફફડાટ પણ પ્રદેશ સંગઠન અને સરકાર કક્ષાએ કંઇ ઓછો નથી. સવાલ આમ તો એ છે કે વડા પ્રધાન મોદી ખુદ માર્ચમાં કેમ આવવાના છે? શું એમને આવવું પડી રહ્યું છે? સવાલ અટપટા છે અને એના ઉત્તર અઘરા છે. જો કે મોદી સાહેબનું આવવું એ ખાસ તો ઉત્તર પ્રદેશના પરિણામ પર આધારિત છે. જો કંઇ ગરબડ થઇ તો સાહેબનો મૂડ ઓફ થઇ શકે છે. રખે ને આવું થાય તો ગુજરાતમાં એમની હટફેટે કોણ ચડી જાય એનું કંઇ કહેવાય નહીં. પરંતુ નરેન્દ્ર મોદી જે રીતે આગોતરા પ્લાન કરવા પંકાયેલા છે, તે જોતાં યુપીનું રિઝલ્ટ ફેવરેબલ રહેવાનું હોવાની એમના પાકી ગણતરી હોઇ પણ શકે છે.         
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top