SURAT

શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીના પ્રોક્સી વકીલને સુરતની કોર્ટે ઠપકો આપ્યો, જાણો કેમ…

સુરતઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી અને અંડરવર્લ્ડ ડોન ફઝલુ રહેમાન વિરુદ્ધ નોંધાયેલા ખંડણીના કેસની શુક્રવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સુનંદા શેટ્ટી વતી હાજર રહેલા પ્રોક્સી વકીલને કોર્ટની કાર્યવાહીમાં વિરોધ કરવા બદલ ઠપકો આપી તેમને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

  • સુનંદા શેટ્ટી વતી હાજર રહેલા પ્રોક્સી વકીલને કાર્યવાહીમાં વિરોધ બદલ કોર્ટે ઠપકો આપ્યો
  • વકીલપત્રમાં પ્રોક્સી વકીલની સહી ન હોવાથી કોર્ટની કાર્યવાહી, 25 હજારનો દંડ પણ ફટકાર્યો

સુરતના કાપડ ઉદ્યોગપતિ પંકજ અગ્રવાલ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી વચ્ચે જાહેરાતના સોદાને લઈને વિવાદ થયો હતો. જેમાં શિલ્પા શેટ્ટીના માતા-પિતાએ 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને સુનંદા શેટ્ટીના કહેવાથી અંડરવર્લ્ડ ડોન ફઝલુ રહેમાને પંકજ અગ્રવાલને ફોન પર ધમકી આપી હોવા અંગે પંકજ અગ્રવાલે 21 વર્ષ અગાઉ ઉમરા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાલમાં કોર્ટમાં સુનાવણી હેઠળ છે.

શુક્રવારે ફરિયાદ પક્ષ તરફથી આરોપી અને પંકજ અગ્રવાલ વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગની સીડી કોર્ટમાં રજૂ કરાઈ હતી. સરકારી વકીલ ફરિયાદીની પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે સુનંદા શેટ્ટી વતી હાજર રહેલા પ્રોક્સી વકીલે તેનો વિરોધ કર્યો હતો. જેના પર કોર્ટે પૂછ્યું કે તમે કોના વકીલ છો? તો પ્રોક્સી વકીલે કહ્યું કે તે સુનંદા શેટ્ટી વતી હાજર થયા છે. જ્યારે કોર્ટે વકીલ પત્ર જોયું, ત્યારે તેમાં પ્રોક્સી વકીલની સહી નહોતી. જેના માટે કોર્ટે પ્રોક્સી વકીલને ઠપકો આપ્યો અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

Most Popular

To Top