નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની વચગાળાના જામીનની અરજી ફગાવી, મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો
દિલ્હી લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.
કોર્ટે અરવિંદ કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. ખરાબ તબિયતનો હવાલો આપી કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા, જે કોર્ટે નકાર્યા છે.
હકીકતમાં કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતી વખતે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઈડીનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો જે આજે બુધવારે તા. 5 જૂનના રોજ સંભળાવવામાં આવ્યો હતો.
આજે બુધવારે કેજરીવાલ તેમની અરજી પર નિર્ણય સાંભળવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. ચુકાદો આપતી વખતે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે, એટલે કે હવે કેજરીવાલને 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે સંબંધિત અધિકારીઓને કેજરીવાલના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલના અધિકારીઓને ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે.
હવે કેજરીવાલના વકીલોએ સંકેત આપ્યા છે કે સ્પેશિયલ કોર્ટના આદેશને ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. વિશેષ અદાલતના નિર્ણયનો અભ્યાસ કર્યા બાદ અરજી દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે કેજરીવાલને 55 દિવસ બાદ 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. ત્યાર બાદ તે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો. 21 માર્ચે તેની ધરપકડ બાદ તે 10 દિવસ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં હતો. આ પછી, 1 એપ્રિલે, કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધો. તેણે તિહારમાં 39 દિવસ વિતાવ્યા. પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ તે તિહાર જેલમાં ગયો અને 2 જૂને આત્મસમર્પણ કર્યું. ઉક્ત અરજી આ વચગાળાની અરજીને લંબાવવા અંગેની હતી.