સુરત: 2 વર્ષથી લાપતા મહિધરપુરાના પોલીસ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીની તપાસ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. તેમજ ડીસીપી કક્ષાના અધિકારીએ સુપરવીઝન કરી દર મહિને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.
- 2 વર્ષથી લાપતા મહિધરપુરાના હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીની તપાસ કરવા કોર્ટનો હુકમ
- ડીસીપી કક્ષાના અધિકારીએ સુપરવીઝન કરી દર મહિને રિપોર્ટ રજૂ કરવા કોર્ટની તાકીદ
કેસની વિગત એવી છે કે, મહિધરપુરા પોલીસ મથકમાં મિથુનભાઈ રંગાભાઈ ચૌધરી હેડ કોન્સટેબલ તરીકે કામ કરતા હતા. મિથુનભાઈ ચૌધરી ગત 13/8/22ના રોજ પોલીસ સ્ટેશન નોકરી પર ગયા હતા અને ધરે પાછા ન ફરતા તેમને ફોન કરતા તેઓએ જણાવેલ કે તેમના સાહેબ તેઓને સીડીઆરના ચોરીના કેસ બાબતે બે દિવસ માટે દિલ્હી મોકલે છે.
ત્યારબાદ મિથુનભાઈ ચૌધરી અને પત્ની વચ્ચે સવારે અને સાંજે ફોન ચાલુ હતો અને વાતચીતમા જણાવેલ કે તેઓ સમયપુર બાદલીપુર પો.સ્ટે.માં છે અને તેઓના જોડે આરોપી જેવા વર્તન કરી બેરેકમા રાખવા આવેલ છે, ખૂબ જ માનસિક ટોર્ચર કરવામાં આવે છે અને બે દિવસનું કહી હવે ઘરે પરત ફરવાની રજા આપતા નથી. ત્યારબાદ 18/8/22ના રોજ તેમના પતિ સાથે છેલ્લા સાદો કોલ અને વિડીયો કોલથી વાતચીત થયા બાદ, તેમનો ફોન અત્યાર સુધી બંધ આવે છે અને ત્યારથી તેમના પતિ હેડકોસ્ટેબલ મિથુનભાઈ ચૉધરીનો કોઈ પતો નથી.
સદર બાબતે કોન્સ્ટેબલ મિથુન ચૌધરીના પત્ની શર્મીલાબેને લાલગેટ પો.સ્ટે, નાયબ પોલીસ કમિશનર ઝોન-3 સુરત તથા પોલીસ કમિશનર સુરત ખાતે ફરીયાદો આપી હતી. આ બાબતે મહિધરપુરા પો.સ્ટે દ્વારા કોર્ટમાં રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેમાં હેડકોસ્ટેબલ મિથુનભાઈને શોધી કાઢવા અંગે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
તેમ છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી મિથુન ચૌધરીના પત્ની શર્મીલાબેન વતી વકીલ હર્ષા હારેજાએ હાજર રહીને રજૂ કરેલ દસ્તાવેજોના વિષ્લેષણ કરી કોર્ટ દ્વારા શર્મીલાબેનના પતિ મીથુનભાઈ રંગાભાઈ ચૌધરી લાપતા હોવાનું પ્રથમ દર્શનીય જણાઈ આવે છે.
હાલની અરજીમાં જણાવેલ વિગતો અને રેકર્ડ ઉપર આવેલ દસ્તાવેજોને ધ્યાને લેવામાં આવે તો, હાલના કામે કોગ્નીઝેબલ ગુનો થયેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે તેમજ ઉપરોકત ગુનાની તપાસ પોલીસ સહાય વગર શક્ય ન હોય તેવું પણ કોર્ટનું માનવું છે. હાલની અરજીના કામે પોલીસ તપાસ યોગ્ય અને જરૂરી જણાઈ આવતી હોય ફોજદારી કાર્યરીતી સંહિતા, ૧૯૭૩ની કલમ ૧૫ (૩) હેઠળ હુકમ કરી હાલની અરજીના સંદર્ભે પોલીસ તપાસ કરવાનો હુકમ કરવામાં આવે છે.
દિલ્હી પોલીસની તપાસમાં અરજદારના પતિ મિથુનભાઈ રંગાભાઈ ચૌધરીને દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલના કામે ડીસીપીનું સુપરવીઝન પણ જરૂરી જણાઈ આવે છે, આમ ડીસીપી કક્ષાના અધિકારીને ફરિયાદના સંદર્ભે દર મહિને તપાસનો રીપોર્ટ સુરત કોર્ટમાં રજૂ કરવાનો પણ આખરી હુકમ થયેલ છે.