National

ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં કોલકાતા હાઈકોર્ટનો આદેશ, CBIને તપાસ સોંપાઈ

કોલકાતાઃ કોલકત્તા હાઈકોર્ટે ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલકાતા પોલીસને કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિત તમામ દસ્તાવેજો આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવા જણાવ્યું છે.

કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે. મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાની સૂચના પણ આપી છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે.

અગાઉ અનેક પીઆઈએલ દાખલ થયા બાદ ચીફ જસ્ટિસે આકરી ટીપ્પણી કરી હતી. કોર્ટે પ્રોફેસર (ડૉ.) સંદીપ ઘોષને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલના પદ પરથી રજા પર મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ નૈતિક જવાબદારી લઈને પોતાના પદ પરથી રાજીનામું આપે તો તેને અન્ય સરકારી કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરી શકાય. ઉપરાંત તેમણે સંદીપ ઘોષને આજે બપોરે 3 વાગ્યા પહેલા રજાની અરજી સબમિટ કરવા કહ્યું હતું. આ સાથે આ કેસની કેસ ડાયરી આજે બપોરે 1 વાગ્યે કોર્ટમાં દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેન્ચની સૂચના પર પશ્ચિમ બંગાળ સરકારે બપોરે 1 વાગ્યે કેસ ડાયરી રજૂ કરી હતી. આ પછી કોર્ટે કેસની સુનાવણી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે ડૉ. સંદીપ ઘોષે ગઈ કાલે આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. થોડા સમય પછી તેમની નિમણૂક કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઈ હતી. જેને લઈને હાઈકોર્ટે નારાજગી જતાવી હતી.

Most Popular

To Top