National

જાતીય સતામણીના મામલે બ્રિજભૂષણ સિંહને શરતો સાથે નિયમિત જામીન મળી

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે દિલ્હી કોર્ટના (Court) ચુકાદા બાદ તેમને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 6 પુખ્ત મહિલા કુસ્તીબાજો દ્વારા નોંધાવામાં આવેલ યૌન શોષણના કેસમાં બ્રિજભૂષણ સિંહને નિયમિત જામીન આપ્યા છે. બ્રિજ ભૂષણની સાથે કોર્ટે આ કેસમાં આરોપી વિનોદ તોમરને પણ જામીન આપી દીધા છે. મળતી માહિતી મુજબ બંનેને કોર્ટે શરતો સાથે જામીન આપ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે એવી શરત મૂકી હતી કે આરોપી જામીન પર હોય ત્યારે સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં.

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને જામીન આપવાની સાથે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અનેક શરતો પણ લગાવી છે. કોર્ટે તેમને જામીન આપતાં અનેક શરતો લાદી હતી અને કહ્યું હતું કે આરોપીઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે ફરિયાદી કે સાક્ષીઓને પ્રેરિત કરશે નહીં અને કોર્ટની પરવાનગી વિના દેશ છોડશે નહીં.

અગાઉ આ મામલાની સુનાવણી કરતા ન્યાયાધીશે આરોપીઓ અને ફરિયાદ પક્ષના વકીલો તેમજ ફરિયાદીઓની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. બપોરે 4 વાગ્યે કોર્ટે બંને આરોપીઓને શરતી નિયમિત જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસના વકીલે કોર્ટને કહ્યું કે આરોપીઓ પર કાયદા મુજબ કેસ ચલાવવામાં આવે અને રાહત પર કેટલીક શરતો લાદવામાં આવે. જ્યારે કોર્ટે સરકારી વકીલને પૂછ્યું કે શું તમે જામીન અરજીનો વિરોધ કરી રહ્યા છો તો તેમણે કહ્યું હતું કે, હું ન તો વિરોધ કરી રહ્યો છું અને ન તો સમર્થન કરી રહ્યો છું. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, અરજીનો નિકાલ કાયદા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર થવો જોઈએ.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર 6 મહિલા કુસ્તીબાજો અને એક સગીર કુસ્તીબાજ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સિંહ વિરુદ્ધ તપાસ અને કુસ્તીબાજોને ન્યાય અપાવવા માટે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારને આ મામલાની તપાસ કરીને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. યૌન ઉત્પીડનના આરોપો બાદ ચર્ચામાં આવેલા બ્રિજભૂષણ શરણ સિંહ આ કેસમાં પહેલીવાર 18 જુલાઈના રોજ દિલ્હીની કોર્ટમાં હાજર થયા હતા અને આ કેસમાં જામીનની વિનંતી કરી હતી.

Most Popular

To Top