બનાસકાંઠા: (Banaskantha) પૂર્વ IPS સંજીવ ભટ્ટને (Sanjeev Bhatt) પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. ગતરોજ કોર્ટે સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવ્યા હતા. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ગુજરાત કેડરના IPS હતા.
પાલનપુરની સબજેલમાં બંધ સંજીવ ભટ્ટને ગઇકાલે પાલનપુરની સેસન્સ કોર્ટોમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેઓને દોષિત જાહેર કર્યા હતા. ગુરુવારે ફરીથી કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રુપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે. 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ મુકી દુકાન ખાલી કરવા ધમકી આપવાનો તેમની ઉપર આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા.
1996માં પાલનપુરમાં એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવીને રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. બાતમીને આધારે પોલીસે રેડ પાડીને એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. તેમના પર આરોપ હતો કે તેમણે વકીલને ફસાવવા માટે અહીં ડ્રગ્સ મૂકાવ્યું હતું. આ મામલે પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશને 6 મહિના સુધી હડતાળ કરી હતી. રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેમનું અપહરણ કર્યું હતું. આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના પોલીસ SP હતા.