કોરોના સંક્રમણ ઓછું થતાં ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે 2021ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200થી વધુ પ્રિ-લિટીગેશનના કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી અદાલતોનું કામકાજ બંધ હતું. હવે કોરોના સંક્રમણ ઓછું થતાં પુનઃ જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યું છે. કોરોનાના કારણે કેટલાક સમયથી ‘ઈ-લોક અદાલત’નું આયોજન કરવામાં આવતું હતું.
પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો થતાં વર્ષ-2021ની પ્રથમ લોક અદાલતનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ જે.ઝેડ.મહેતા સહિત ન્યાયાધીશો, વકીલો અને અસીલો ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટોમાં વધી રહેલા કેસોના ભારણ વચ્ચે લોક અદાલત સમાધાનકારી વ્યવસ્થા પૂરવાર થવા સાથે લોકોને સસ્તો અને ઝડપી ન્યાય મળે તે માટે ઉપયોગી થઈ રહી હોવાનું જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.ઝેડ.મહેતાએ જણાવી લોકઅદાલતના આયોજન અંગે માહિતી આપી હતી. 1200થી વધુ કેસ લોક અદાલતમાં નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં વકીલો અને અસીલોનો સહકાર મળી રહ્યો હતો. આમ, કોરોના સંક્રમણ ઓછું થતાં પુનઃ એકવાર ન્યાયાલયમાં વિવિધ કેસોના નિકાલની પ્રક્રિયા શરૂ થઈ છે.