હાલ અમુક વર્ગના લોકો જ કોરોના સામેની રસી લઈ શકે એવા કડક અંકુશો રાખવા પાછળ શું તર્ક છે એનો ખુલાસો કરવા દિલ્હી વડી અદાલતે આજે કેન્દ્રને કહ્યું હતું. દેશમાં હાલ 60ની ઉપરના તમામ અને 45ની ઉપરના અન્ય ચોક્કસ બીમારી ધરાવતા લોકો જ કોરોનાની રસી મૂકાવી શકે છે.
હાઇકૉર્ટે કહ્યું કે રસી કોવિશીલ્ડ અને કોવાક્સિન બનાવનાર બેઉ સંસ્થાઓ સિરમ ઈન્સ્ટીટ્યુટ્સ અને ભારત બાયોટેક પાસે રસીઓ પૂરી પાડવા માટે વધારે ક્ષમતા છે પણ એમ લાગે છે કે એમની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ નથી થઈ રહ્યો.
જસ્ટિસ વિપિન સાંઘસાંઘી અને રેખા પાલીને સમાવતી બૅન્ચે કહ્યું કે આપણે એનો પૂર્ણ ઉપયોગ નથી કરી રહ્યા. આપણે વિદેશોમાં રસી દાન કરીએ છીએ કે વેચીએ છીએ અને આપણા પોતાના લોકોને રસી આપતા નથી. એટલ્કે જવાબદારી અને તાકીદની ભાવના હોવી જોઇએ.
રોજ/સપ્તાહ અને માસિક આધારે રસી ઉત્પાદનની ક્ષમતા અંગે, કેટલી બિનવપરાયેલી ક્ષમતા છે એ અંગે અલગ અલગ એફિડેવિટ કરવા માટે વડી અદાલતે બેઉ સંસ્થાઓને કહ્યું હતું. સાથે ભારત સરકારને રસીના પરિવહનની ક્ષમતા અંગે એફિડેવિટ કરવા કહ્યું હતું.
વડી અદાલતે તમામને 9મી સુધીમાં એફિડેવિટ કરીને વધુ સુનાવણી 10મી માર્ચ પર રાખી હતી. વડી અદાલત ન્યાયપ્રણાલિ સાથે સંકળાયેલા તમામ લોકોને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે જાહેર કરવા માગતી બાર કાઉન્સિલ ઑફ દિલ્હીની માગણીને ચકાસવા એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી છે.
બુધવારે જ વડી અદાલતે જાતે જ નોંધ લઈને પોતાની જાતે જ બાર કાઉન્સિલથી મળેલા સંદેશાના આધારે જાહેર હિતની અરજી આરંભી હતી. લોકો એકત્ર થાય ત્યારે કોરોના કેસો વધે છે એ સ્પષ્ટ છે અને 15મીથી દિલ્હી વડી અદાલતની કામગીરી શરૂ થવાની છે. બૅન્ચે કહ્યું કે હાલ તાતી જરૂર જનસમૂહને રસી આપવાની છે. 45ની ઉપરના જજ, સ્ટાફ અને વકીલોને અન્ય બીમારી ન પણ હોય પણ એનો મતલબ એ નથી કે તેઓને રોગ થવાનું અને એનાથી ગંભીર બીમાર થવાનું જોખમ નથી.