ભરૂચ: લો બોલો હવે કુરિયરની આડમાં દારૂનો ધંધો થતો હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ભરૂચ LCBએ મેટ્રો કુરિયરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. સર્ચ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ટ્રિપલ બોક્સમાં સંતાડી પાર્સલ સ્વરૂપે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુરિયરની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતાં કુરિયર સંચાલક સહિત બે આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી ₹1.64 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. એક કાર, મોપેડ મળી કુલ રૂ.4.64 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
- ભરૂચમાં બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઉઘાડી પડી: કુરિયરની આડમાં દારૂની હેરાફેરી
- ભરૂચ એલસીબીએ કુરિયરની ઓફિસમાંથી 1.64 લાખનો દારૂ ઝડપી પાડ્યો
- કાર, એક્ટિવા મળી રૂ.4.64 લાખનો મુદ્દામાલ જપ્ત, કુરિયરના સંચાલક સહિત 2ની ધરપકડ, બે વોન્ટેડ
ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જીઆઇડીસી વિસ્તારમાં દેસાઈ પેટ્રોલપંપ પાસે આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં મેટ્રો કુરિયરની ઓફિસમાં પાર્સલોની આડમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કુરિયરની ઓફિસમાં જઈ છાપો મારતાં ત્યાં ટ્રિપલ બોક્સમાં પેક કરેલા પાર્સલ બોક્સમાંથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ મૂળ રાજસ્થાનના અને હાલ જૂની કોલોનીમાં રહેતા ઓફિસના સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી તેમજ દારૂનો જથ્થો લાવનાર મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડાને જોઈ સ્થળ પરથી સુરેશપુરી રાજપુરી ગોસ્વામી ફરાર થઈ ગયો હતો. દારૂ મંગાવનાર જૂની કોલોનીમાં રહેતા ઉમેશ મહેશ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભરૂચ એલસીબીએ રૂપિયા 1.64 લાખનો દારૂ, એક સ્વિફ્ટ કાર અને એક્ટિવા મોપેડ મળી કુલ રૂ.4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દમણથી નવસારી તરફ કારમાં લઈ જવાતો દારૂ પકડાયો, શાહરૂખે દારૂ ભરી આપ્યો હતો
વલસાડ: દમણથી નવસારી તરફ કારમાંમાં દારૂ લઇ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે નેહાનં. 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી પાયલોટિંગ કરી રહેલી કાર હુડાઈ આઇ 20 આવતા પોલીસે નાકાબંધી કરી દેતા કાર ફસાઈ ગઈ હતી. એમાંથી બે ઈસમની ધરપકડ કરી હતી. તેની પાછળ આવતી દારૂ ભરેલી કારનો ચાલક પોલીસને જોઈને કાર મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા રૂ ૧.૫૦ લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૫૫૨ મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલી કારની પાઈલોટીંગ કરતા કારચાલક નવસારી વેજલપોરના ધાર્મિક જનક જોશી, સુનિલ ગીરી શૈલેષગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બે કાર મળીને કુલ રૂ.૧૧.૬૦ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં વાપીના શાહરૂખે દારૂ ભરી આપ્યો હતો. પોલીસે એને વોન્ટેડ જાહેર કર્યો હતો.