સુરતઃ શહેર પોલીસ કમિશનરના પરિપત્રનો ઉલાળ્યો કરીને શહેરના રસ્તાઓ પર ભારે વાહનો ફૂલસ્પીડમાં બેફામ દોડતા હોય છે, તેના પગલે અવારનવાર શહેરના રસ્તાઓ લોહીના લાલ રંગથી રંગાઈ જાય છે. આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે શહેરના ઉધના વિસ્તારમાં બની છે.
શહેરના ઉધના વિસ્તારમાં 20 સપ્ટેમ્બરને શુક્રવારની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જમીને દીકરીને લઈને આંટો મારવા નીકળેલા દંપતિની બાઈકને નશામાં ચૂર ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના લીધે દંપતીનું બાઈક સ્લીપ થયું હતું. પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે પતિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે, આ ગોઝારા અકસ્માતમાં ચમત્કારિક રીતે 6 વર્ષની બાળકીનો બચાવ થયો હતો.
અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું ઘટના સ્થળે દોડી ગયું હતું. લોકોએ ટ્રક ચાલકને ઝડપી ઢોલઢપાટ કરી હતી. ચાલક પીધેલો હોવાનું જણાતું હતું. લોકોએ 108ને ફોન કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. ટ્રક ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. દંપતીના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. નાનકડી બાળકી અનાથ થઈ હતી.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક દંપતી ઉધનાની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો હતો. દંપતી મૂળ મહેસાણાના હતા. મૃતક સચિન પટેલ કસ્ટમ વિભાગના કાર્ડના ડ્રાઈવર હતા. પરિવારમાં પત્ની સારીકા અને છ વર્ષીની દીકરી છે. રાત્રે જમ્યા બાદ દીકરીને લઈ નજીકમાં ફરવા નીકળ્યા ત્યારે રાત્રિના 11.30 કલાકની આસપાસ જીવન જ્યોત સર્કલ નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો.