Vadodara

ગાડીઓ ભાડે મૂકાવી રૂા.55.75 લાખની ઠગાઈ કરનાર દંપતી ઝડપાઈ

વડોદરા : શહેરના ગોરવા વિસ્તારના ઠગ દંપતીએ ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ તો ઠીક દંપતીએ ગાડીઓ પરત ન આપીને 15 ગાડીઓના માલિકો સાથે રૂપિયા 55.75 લાખની છેતરપિંડી કરી હતી. 15 ગાડીઓના માલિકોએ ઠગ દંપતી સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી  કોર્ટમાં રજૂ કરતાં 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ શ્રીજીધામ ડુપ્લેક્ષમાં રાકેશભાઇ પુષ્પવદન શેઠ પરિવાર સાથે રહે છે અને તેઓ પોતાની ફોર વ્હીલમાં સ્કૂલ વર્ધીનું તેમજ છૂટકમાં પણ પોતાની ગાડી ભાડેથી આપે છે અને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ફેબ્રુઆરી-2021માં તેઓના સ્કૂલવર્ધી ગૃપમાંથી તેમને ખબર પડી હતી કે, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે રહેતા રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ ગાડીઓ ભાડા કરાર કરીને ભાડેથી લઈ માસિક ભાડુ આપે છે.

દરમિયાન રાકેશભાઇ શેઠે પોતાની ગાડી ભાડે આપવા માટે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખનો સંપર્ક કર્યો હતો. ત્યારે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખે જણાવ્યું હતું કે, મારી પાસે ઘણાં બધા લોકોની ગાડીઓ છે અને તે ગાડીઓ કંપનીઓમાં મૂકુ છું અને કંપનીઓમાંથી મળતા ભાડાની રકમમાંથી મારું કમિશન લઇ તમામ ગાડીઓવાળાઓને નિયમીત ભાડુ ચૂકવું છે. રાકેશભાઇ શેઠને તેના ઉપર વિશ્વાસ આવતા 2 માર્ચ-2021ના રોજ રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેઠની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીના નામે ભાડા કરાર કરીને પોતાની કાર માસિક રૂપિયા 20,000 ભાડુ નક્કી કરીને આપી હતી. આ ઉપરાંત રાકેશભાઇ શેઠે પોતાની બીજી ઇકો કાર પણ માસિક ભાડુ નક્કી કરી ભાડા કરાર કરીને આપી હતી.

દરમિયાન ગાડી ભાડે આપ્યા બાદ રાકેશભાઇ શેઠે પોતાની ભાડે મૂકેલી બે ગાડીના ભાડાની માગણી કરતા ઠગ દંપતીએ બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું.

જેથી ભાડુ ન મળતા રાકેશભાઇએ પોતાની ગાડીઓ પરત માગતા ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખ અન તેની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીએ ગાડીઓ બીજાને આપી છે. સારું ભાડુ મળશે તેવી લાલચ આપીને ભાડુ પણ આપ્યું ન હતું અને ગાડીઓ પણ પરત ના કરી છેતરપિંડી કરી છે. આ ઉપરાંત ઠગ દંપતીએ ગાડીઓ કંપનીઓમાં ભાડે મુકીને ઊંચું ભાડુ આપવાનું જનબી રાકેશભાઈ શેઠ ઉપરાંત જીગર મહેન્દ્રભાઇ પાટીલ (રહે. નહેરુચાચા નગર, આજવા રોડ) સાથે રૂ. 3.50 લાખની, ઉમેશ રામઅવધ ત્રિપાઠી (રહે. શિલ્પગ્રીષ સયાજી ટાઉનશિપ પાસે) સાથે રૂ. 3.25 લાખની.

પુનમ નગીનભાઇ પ્રજાપતિ (રહે.  શિવાલય રેસિડેન્સી, હરણી રોડ) સાથે રૂ. 2.50 લાખની, નિતેષ મોહનભાઇ વસાવા (રહે. મોટી બાપોદ, વાઘોડિયા રોડ) સાથે રૂ. 2.45 લાખની, રાકેશસિંહ ભારતસિંહ ઠાકોર (રહે. રાજાજી પાર્ક, વાઘોડિયા રોડ) સાથે રૂ. 3.50 લાખની, મહેશગીરી રામગીરી મહંત(રહે. વૃંદાવન સોસાયટી, અટલાદરા) સાથે રૂ. 3.00 લાખની, વકીલઅહેમદ અજીજઅહેમદ પઠાણ (રહે. ચિસ્તીયાનગર, છાણી જકાતનાકા) સાથે રૂ. 4.00 લાખની, પથિકકુમાર ભગવાનદાસ પરમાર (રહે. શ્રી દર્શન સોસાયટી, માણેજા) સાથે રૂ. 3.40 લાખની.

રેખાબહેન જગદીશભાઇ ચાવડા (રહે. કોઠી ફળીયું, અટલાદરા) સાથે રૂ.2.50 લાખની, મહેશ મુકુંદભાઇ રાઠવા(રહે. કનલવા ગામ) સાથે રૂ. 3.15 લાખની, કમલેશ છગનભાઇ ચૌહાણ (રહે. વિનાયક કો. છાણી જકાતનાકા) સાથે રૂ. 3.60 લાખની, બિરાજ જયંતિભાઇ દેસાઇ (રહે. લાછરસ) સાથે રૂ. 2.50 લાખની,  સુયોર ઋકેશભાઇ ટીલ્લુ (રહે. ગણેશ સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે રૂ. 2.50 લાખની, કમલેશ રામસીંગ વસાવા (રહે. જલારામનગર, કરોડીયા રોડ) સાથે રૂ. 4.50 લાખની અને હિતેશ શંકરભાઈ જોશી (રહે. શ્રીગુરુકુળ સોસાયટી, વઘોડીયા રોડ) સાથે રૂ. 2.80 લાખની છેતરપિંડી કરી હતી. પરંતુ, ઠગ દંપતિએ ભાડુ આપવાનું તો ઠીક તેઓની ગાડીઓ સગેવગે કરી તમામ સાથે રૂપિયા 55.75 લાખની છેતરપિંડી કરી હતી.

જોકે છેતરપિંડીનો આ બનાવ ગોરવા પોલીસ મથકે પહોંચતા પોલીસે રાકેશ શેઠ સહિત 15 ગાડીના માલિકોની ફરિયાદના આધારે ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે, ગોરવા) અને તેની પત્ની નિમીશા ઉર્ફ અનીશા કાંતિભાઇ સોલંકી (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે ગોરવા) સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top