સુરત: મન મક્કમ હોય તો ગરીબી કે બીમારી પણ કોઈ મુકામ સર કરતા રોકી નહીં શકે એનું જીવતું ઉદાહરણ સુરતના એક હિમોફેલિયાગ્રસ્ત વેલ્ડરના પુત્ર એ આપ્યું છે. આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે MBBS બાદ MD કરી UPSCની મેડિકલ સર્વિસની એક્ઝામ પાસ કરનાર સુરતી બોય મેડિકલ, એન્જીનયરિંગ અને UPSC સહિતના વિદ્યાર્થીઓનો આદર્શ બની ગયો છે. આ વર્ષે કુલ 322 ડોક્ટર્સે આ એક્ઝામ પાસ કરી છે.
કપલેશ સૂર્યવંશીએ (વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે, ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં અભ્યાસ કરી આ મુકામ હાંસલ કર્યું છે. માતા-પિતાનું સ્વપ્ન પૂરું કરવામાં સંઘર્ષ જ કામ લાગ્યો છે. પુત્ર ને ડોક્ટર બનવવા માતા-પિતાએ પણ રાત-દિવસ એક કર્યા છે. મને ગર્વ છે કે હું આદર્શ અને પ્રમાણિક વેલ્ડર પિતાનો દીકરો છું. દર વર્ષે લગભગ દેશ ભરમાંથી 50 હજારથી વધુ MBBS અને MD ડોક્ટર્સ યુપીએસસીની મેડિકલ સર્વિસની એક્ઝામ આપતા હોય છે. અને એમાં પાસ થવું એટલે ગર્વ ની વાત છે.
વધુમાં જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતાનો એકની એક પુત્ર હતો. પિતા એક વેલ્ડર છે તેથી ઘરની પરિસ્થિતી જોઈ સ્વપ્નાં જોવા પડતા હોય છે. સાથે સાથે હું હેમોફેલિયાનો દર્દી છું. મારી બીમારીને કારણે પરિવાર ઘણી તકલીફો ઉઠાવી દિવસ પસાર કરતું આવ્યું હતું.
ઘણીવાર શરીરની અંદર હાડકાઓના બ્લીડીંગના કારણે હું 15થી 30 દિવસ સુધી હોસ્પિટલાઇઝ્ડ રહેતો હતો. સરકારી સ્કૂલમાં અભ્યાસ સાથે મહેનત કરી મેં ગુજકેટની એક્ઝામ પાસ કરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન મેળવ્યું હતુ. એમબીબીએસના ચાર વર્ષ દરમિયાન મારા મામાએ મને આર્થિક રીતે ખૂબ મદદ કરી હતી. જેથી હું સારી રીતે મારું ગ્રેજ્યુએશન કરી શક્યો હતો. એમબીબીએસ પછી મેં જોબ કરવાની શરૂઆત કરતા પરિવારની આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધાર જોવા મળ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં NEET-PGની એક્ઝામ પણ પાસ કરી લીધી હતી. દિલ્હી ગવર્મેન્ટ હોસ્પિટલમાં મને એમડી સાઈકાઇટ્રીસ્ટ કરવાની મારી ઇચ્છા પણ પૂરી થઇ ગઈ હતી. મને મહિને 1 લાખ સુધીનું સ્ટાઇપન્ડ મળતું હતુ. ઘરની તમામ જવાબદારી ઉપાડતા જોઈ માતા-પિતાને હરકના આંસુ આવી જતા હતા. ત્યારબાદ હું યુપીએસસીની કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ એક્ઝામ ની તૈયારીમાં પડી ગયો હતો.
મન મક્કમ હોય તો કોઈ પણ મુકામ સર કરી શકાય છે એવી પંક્તિઓ એ મને હમેશા પીઠબળ આપ્યું હતું. બસ UPSC પરીક્ષામાં પણ હું પાસ કરી 320 મો રેન્ક મેળવ્યો હોવાનું સાંભળીને માતા-પિતાને ખુશ થતા જોઈ મેં સ્વર્ગમાં જન્મ લીધો હોવાનું અહેસાસ કરતો હતો.