સુરત : આગામી સમયમાં નવા નિર્માણ થનાર સુરત રેલવે સ્ટેશનને એક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે, તેને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજજ કરી અતિ આધુનિક બનાવાશે જેની માહિતી રવિવારે તા. 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા આપવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશનના આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે હવે ઈપીપી ધોરણે હાથ પર લઈ લીધો હોવાથી તેનું કામ ખૂબ ઝડપથી આગળ વધશે તેવું મંત્રી દર્શના જરદોષે વધુમાં કહ્યું હતું.
- સુરતમાં બનનારું દેશનું પહેલું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એરપોર્ટ જેવું સુવિધાયુકત હશે : દર્શના જરદોષ
- પ્રથમ વખત સાંસદોની પત્રકાર પરિષદમાં નગર સેવકોને હાજર રાખી બજેટ સત્રમાં શુ-શુ થયું તેની જાણકારી અપાઇ
રવિવારે એક પત્રકાર પરિષદ યોજીને તાજેતરમાં રજુ થયેલા કેન્દ્રીય બજેટ અને રેલવે આધુનિકરણ વિશેનો આ સંવાદ સધાયો હતો. આ પત્રકાર પરિષદમાં ભાજપના નગરસેવકોને પણ હાજર રખાયા હતા. જેથી નગરસેવકો કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જોગવાઇઓ અંગે જાણકારી મેળવે અને પ્રજા સુધી પહોંચાડી શકે. જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા આવનારા દિવસોમાં રેલવેમાં થનારા આધુનિકરણ વિશે વાત કરવામાં આવી હતી. સાથે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે તે એક અત્યાધુનિક રેલવે સ્ટેશન બનશે અને એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. અગાઉ આ પ્રોજેકટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સાકાર થવાનો હતો પરંતુ પ્રોજેકટ કોસ્ટમાં મોટું રોકાણ અને તેની રિકવરી માટે લાંબો ગાળો જોઇએ તેમ હોવાથી આ આયોજનમાં સફળતા નહી મળતા કેન્દ્ર સરકારે હવે ઇપીસી ધોરણે હાથ ધરાયો છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્યો સંગીતાબેન પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા,મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
કેન્દ્રનું બજેટ તબીબી, સંરક્ષણ, શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવશે : સી.આર.પાટીલ
બજેટ અંગે ચર્ચા કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રીય બજેટ અમૃતકાળનું બજેટ છે ને તે અંતર્ગત સમાજના ઉપલા વર્ગથી લઈને છેવાડાના માનવી સુધી બધાના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડુતોથી લઈને વ્યાપારી સુધી, યુવાવર્ગ અને મહિલાઓ માટે તથા તમામ વર્ગના લોકો માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. દેશના સંરક્ષણ ક્ષેત્રે,તબીબી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવનારું આ બજેટ છે.