એક સમાચાર અન્વયે આપણા દેશમાં માર્ગ અકસ્માતોથી છેલ્લા ત્રણ વર્ષમાં વિક્રમ સંખ્યાના ગણી શકાય એવા 72 હજાર રાહદારીઓના રોડ અકસ્માતથી મોત થયેલ છે જેનાથી દેશને 1.47 લાખ કરોડ રૂપિયાનું જંગી નુકશાન થયેલ છે. મોટા ભાગના અકસ્માતોમાં દ્વિચક્રી વાહનો હતા અને અધિકતર અકસ્માતો ઓવર સ્પીડથી થયા હતા. વર્ષ 2000 બાદ દેશમાન સડકોની સંખ્યામાં 39 ટકાનો વધારો થયો છે જેની સામે વાહનોની સંખ્યામાં વિક્રમ એવો 158 ટકાનો વધારો થયો છે.
વર્ષ 1950માં દેશમાં સડકોની લંબાઇ ચાર લાખ કિલોમીટર હતી જે અત્યારે વધીને 55 લાખ કિલોમીટરથી વધુ છે. છતા અકસ્માતોનું પ્રમાણ વધેલ છે. જે દેશ માટે ચિંતાજનક ગણી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા હાઇવેના ઝડપી વિકાસો દ્વારા હજુ હાઇવે રસ્તાઓની લંબાઇ ભવિષ્યમાં અનેકગણી વધવાની છે ત્યારે હવે સર્વેએ સવિશેષ સચેત રહેવાની જરૂર છે. રાહદારીઓ અકસ્મતોના ભોગ બનેલ છે તેના મૂળ કારણમાં મોટા ભાગના મોટા શહેરોમાં ફુટપાથ માત્ર નામની જ હોય છે.
ટાઉનપ્લાનીંગની ગરબડોના કારણે ફુટપાથની જગ્યા બહુ જ ઓછી ફાળવવામાં આવે છે જેના પરિણામે રાહદારીઓએ ફરજીયાત મુખ્ય રસ્તા પર ચાલવુ પડે છે જે તેમના માટે જોખમી સાબીતથાય છે. ફુટપાથ પરથી પૂરપાટ ઝડપે દોડતા ટુ વ્હીલરો, વિજળીવેગ લેન બદલતા વાહન ચાલકો, અચાનક યુટર્ન લઇ ખોટી દિશામાં ભાગતા વાહનો, ઘેટા બકરાની જેમ માણસો ભરીને ભાગતા ટ્રેકટર્સ તથા રીક્ષાઓ, સંભવીત અકસ્માતો માટે બિહામણા દૃશ્યો ઉભા કરે છે જેને લોકહિતાર્થે કડકપણે નિયમન કરવા જ રહ્યા. દેશના વધતા જતામાર્ગ અકસ્માતોની ચિંતા યુનો પણ વ્યકત કરી ચૂકેલ છે જેની નોંધ પણ દેશવાસીઓએ લેવી જ રહી. જાગૃતિ, પ્રામાણિકતા અને ગંભીરતા વાહનચાલકોમાં અને રાહદારીઓ એમ બંને પક્ષે હશે તો જ જીવલેણ અકસ્માતો ઓછા કરી શકાશે. આ સમસ્યાનો અંત માત્ર આકરા દંડથી નહી પણ સરકારની નાગરિકોની અને વાહનચાલકોની સમજણભરી સંયુકત કાર્યવાહીથી જ નિવારી શકાશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.