કૃત્રિમ બુદ્ધિમતા કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) એ આજે વિશ્વનો એક ખૂબ મહત્વનો મુદ્દો બની ગયો છે. આ બાબત એના પરથી સમજી શકાય છે કે ફ્રાન્સના પેરિસમાં આ માટેની એક ખાસ વૈશ્વિક શિખર પરિષદ – એઆઇ સમિટ યોજાઇ ગઇ જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો. આ સમિટમાં એક ઢંઢેરો પણ બહાર પાડવામાં આવ્યો જેમાં એઆઇના યથાયોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો અને એઆઇને પારદર્શી, સલામત, વિશ્વસનીય બનાવવાનું કહેવામાં આવ્યું. આપણું સામાન્ય બજેટ રજૂ થાય તેના આગલા દિવસે રજૂ કરવામાં આવતા આર્થિક સર્વેક્ષણમાં પણ આ વખતે એઆઇ માટે ખાસ પ્રકરણ ફાળવવામાં આવ્યું હતું.
આર્થિક સર્વેક્ષણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ લેબર માર્કેટને ખોરવી નાખે તે બાબતને લગતા અજંપા અને ઉત્તેજના પર પ્રકાશ પાડ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો કંપનીઓ એઆઇનો ઉપયોગ કરવામાં લાંબી સમયમર્યાદા માટે તેના યથાયોગ્ય ઉપયોગનો અભિગમ નહીં અપનાવે કે તેને સંવેદનશીલતા સાથે હાથ નહીં ધરે તો પછી નીતિગત હસ્તક્ષેપ અને નાણાકીય વળતર માટેની માગ એ ટાળી નહીં શકાય તેવી બાબત બનશે. એઆઇને કારણે એક ઘણી મોટી ચિંતાની બાબત કામદારોની, શ્રમિકોની નોકરીઓ છીનવાઇ જવાની છે અને આર્થિક સર્વેક્ષણમાં આ બાબતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં એઆઇને કારણે લોકોની નોકરીઓ છીનવાવાનો ભય છે અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ(આઇએમએફ)એ પણ આ બાબતે ખાસ ચર્ચા કરી છે.
બજેટ પહેલાના આર્થિક સર્વેક્ષણમાં પણ આઇએમએફના એક પેપરને ટાંકવામાં આવ્યું હતું કે જેમાં કહેવાયું છે કે કામદારોના સ્થાને એઆઇનો ઉપયોગ કરનાર કોર્પોરેટ કંપનીઓના વધેલા નફા પર વેરો નાખવાની સરકારોને ફરજ પડી શકે છે. આઇએમએફની આ વાત ખૂબ મહત્વની છે. એઆઇ જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને કામદારોને છૂટા કરી દઇને, તેમના પગારનો ખર્ચ બચાવી લઇને બેફામ નફો કરતી કંપનીઓ પર સરકારે વધારાનો વેરો નાખવો જ જોઇએ.
તે દરેકને મુશ્કેલ સ્થિતિમાં મૂકશે અને પરિણામરૂપે દેશના વિકાસની તકોને અસર થશે એમ આર્થિક સર્વેક્ષણે એઆઇ અંગે ચેતવણી આપી હતી. જ્યાં શ્રમિકો વધુ પડતા છે તેવા ભારત જેવા દેશો લાંબા સમય સુધી કામદારો વિસ્થાપિત થાય તેવી સ્થિતિ સહન કરી શકે તેમ નથી એ મુજબ તેમાં ભારપૂર્વક જણાવાયું હતું. આ વખતના આર્થિક સર્વેક્ષણમાં એઆઇના યુગમાં શ્રમ એ નામનું એક આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું હતું જે એ વાતનું પ્રતિબિંબ પાડે છે કે આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
ભારતમાં આ સમસ્યા દેશનું કદ જોતા અને તેની પ્રમાણમાં ઓછી માથાદીઠ આવક જોતા વધુ મોટી બની શકે છે. આર્થિક સર્વેમાં એઆઇનો ઉપયોગ સામાજીક મૂલ્યોને અનુરૂપ રીતે થાય તે માટે નિયંત્રક માળખામાં ફેરફારની હાકલ કરવામાં આવી છે અને એમ પણ કહેવાયું છે કે બાળકોને કઇ રીતે શિક્ષીત કરવા તે બાબત પર પણ ધ્યાન આપવાની જરૂર રહેશે, આ ઉપરાંત સુરક્ષા જાળો રચવી પડશે જે હાલના કામદારોને એઆઇમાંથી સર્જાતી આર્થિક અને સામાજીક અસરો સામે રક્ષણ આપી શકે. આ પ્રથમ વખત નથી કે આર્થિક સર્વેક્ષણમાં એઆઇની ચર્ચા કરવામાં આવી હોય. ૨૦૨૪માં પણ તેની થોડી ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે કૃત્રિમ બુદ્ધિમતા કે એઆઇની શ્રમબળ પર અસર અંગે એક આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું હતું.
ફક્ત એઆઇ જ નહીં, દુનિયામાં જ્યારથી ટેકનોલોજીકલ સંશોધનો ઝડપથી થવા માંડ્યા, જાત જાતના યંત્રો અસ્તિત્વમાં આવવા માંડ્યા ત્યારથી શ્રમિકો પર, લોકોની રોજગારી પર આ યંત્રોની અસર અંગે ચર્ચાઓ થતી આવી છે. જો કે યંત્રો કે ટેકનોલોજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય કે નકારવાલાયક નથી. પ્રશ્ન તેમના વિવેકપૂર્ણ ઉપયોગનો છે. ગાંધીજીએ આ સંદર્ભમાં ઘણી સારી વાત કરી છે. શ્રમિકોનો શ્રમ ઓછો કરી શકે તેવા ઓજારોના સમજણપૂર્વકના ઉપયોગને તેમણે આવકાર્યો છે. એઆઇના સંદર્ભમાં પણ આ જ વાત છે. સમજપૂર્વકનો ઉપયોગ જરૂરી છે. એઆઇના લાભોની સાથે અનેક ભયસ્થાનો પણ છે, બીજા કેટલાક ભયસ્થાનોની ચર્ચા આ સ્થાને થઇ પણ છે, પણ એઆઇને કારણે શ્રમિકો, કર્મચારીઓ બેકાર બને તે ભય સમાજમાં વ્યાપક અસરો કરનારો બની શકે છે. અને તેથી જ વિશ્વભરના દેશોએ આ મુદ્દે ભેગા મળીને એઆઇના વાજબી ઉપયોગ માટેના ધોરણો નક્કી કરવા જરૂરી છે.