ગણતરી અનુસાર ચાલતી ગુરુમુખી વિદ્યાઓ સાથે ગણિત અને નિયમોની અનિવાર્ય આવશ્યકતા રહે છે પણ ગદ્ય સાહિત્ય તેનાથી સ્વતંત્ર રહે છે. વાર્તા, નિબંધ, હેવાલ, સમાચાર, પત્રલેખન, ચર્ચાપત્ર વગેરે ગદ્ય લખાણો ચોક્કસ ગણિતથી પર છે. ચિત્રકળામાં રંગ પ્રમાણ અને આવર્તનનું ગણિત હોય છે, સંગીતમાં તાલ, માત્રા, સમયનું ગણિત ચાલે છે, નૃત્યકલામાં પણ ભાવભંગિમા, સંગીત, સ્ટેપ્સ, સમયનું ગણિત જરૂરી છે. અછાંદસ સિવાયના કાવ્યોમાં છંદ અને મીટરનું ગણિત હોય છે, તો શિલ્પકલામાં આ વર્તન અને ક્ષેત્રફળનું ગણિત જરૂરી છે, નાટકમાં છે ધ્વનિ અને પ્રકાશના ગણિતનો ખ્યાલ રાખવામાં આવે છે.
સાહિત્ય અને કલાના સર્જન સંબંધમાં ધનની આવકનું ગણિત માંડનારા વ્યવસાયિકો હોય છે. ગદ્ય લખાણોમાં શબ્દોની મર્યાદા કે ગણિતની ફરજ પડતી નથી. લખાણ લાંબુ કે ટૂંકુ હોઈ શકે. તેથી જ લધુનવલ, ટૂંકી વાર્તા, વિવેચન, નોંધ સંદર્ભમાં ગણિત કે નિયમો નથી. ગદ્ય સાહિત્ય અંગે ભાવજગત અને પરિવેશનું મહત્ત્વ રહે છે. લાંબા લખાણને તેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી સંક્ષિપ્ત કરી શકાય. છાપામાં સ્થળ સંકોચનો ખ્યાલ પણ રખાય છે આમ તો જીવન વ્યવહારમાં વિશ્વ સમસ્તમાં ગણિતના મહત્ત્વ અને જરૂરિયાતનો સ્વીકાર કરવો પડે પણ ગદ્ય સાહિત્ય તેમાં અપવાદરૂપ બની જાય છે, તે પણ સ્વીકારવું રહ્યું.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.