આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આમ તો વિજયોત્સવની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીમાં આમ તો કોંગ્રેસને સત્તા મળે તેમ હતી, છતાં કોંગ્રેસના કાઉન્સિલરો પક્ષ પલ્ટો કરીને સામે ભાજપમાં ચાલ્યા જતાં 2011 અને 2016માં ભાજપને સત્તા મળી હતી. જો કે હવે ભાજપની નેતાગીરી સ્પષ્ટ બહુમતીની આશા રાખીને બેઠી છે.
44 બેઠકોના જંગમાં 23 બેઠકો જે પાર્ટીને મળે તેને સત્તા મળે તેમ છે. ભાજપની નેતાગીરી દ્વારા કરાયેલા આંતરિક આંકલનમાં 28થી વધુ બેઠકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. જ્યારે બીજા નંબરે કોણ આવશે, તે મામલે આપ તેમજ કોંગ્રેસ વચ્ચે હવે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. આપ અપસેટ સર્જાશે તેવી આશા રાખીને બેઠું છે, કારણ કે સુરત મનપામાં તેને 27 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ માટે તો આ ચૂંટણી અસ્તિત્વનો જંગ છે એટલે તેને ચમત્કારની આશા પણ છે.
ગાંધીનગરમાં સેકટર -15ની જુદી જુદી કોલેજોના કોમ્પલેક્સના પાંચ હોલમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મત ગણતરીની વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થશે, જો કે બપોરે 12 વાગ્યા સુધીમાં કઈ પાર્ટીને ગાંધીનગર મનપામાં કોને સત્તા મળી છે, તે રાજકિય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ખાસ કરીને ગાંધીનગરમાં રૂપાણી સરકાર બદલાયા પછી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે તથા નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવ્યું હતું. સીએમ પટેલે ગાંધીનગરમાં ત્રણેક રાજકિય સંમેલનો સંબોધ્યા હતા. જ્યારે પાટીલ તથા દાદાએ ગાંધીનગરમાં પ્રચારના અંતિમ દિવસે મેગા રોડ શો પણ યોજીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ તરફથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ પણ રોડ શો કર્યો હતો. જ્યારે આપના પ્રચાર માટે દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરમાં રોડ શો યોજીને ભાજપ – કોંગ્રેસની નેતાગીરીની ઊંધ ઉડાવી દીધી હતી.
ગઈ મોડી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ ગાંધીનગર મનપા માટે સત્તાવારી રીતે 56.24 ટકા , થરા – ઓખા અને ભાણવડ નગરપાલિકાઓની સામાન્ય – મધ્યસત્ર ચૂંટણી માટે 59.52 ટકા, મનપાઓની વિવિધ બેઠકોની પેટા ચૂંટણી માટે 27.20 ટકા, નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે 47.99 ટકા, જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે 57.08 ટકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટે 67.60 ટકા મતદાન થયુ હતું.