National

કર્ણાટકમાં કોંગ્રેસનું ક્લીન સ્વીપ: રાહુલ ગાંધીએ કહ્યું, નફરતનું બજાર બંધ થયું…

બેગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી છે. 130 સીટો પર જીતની દિશામાં કોંગ્રેસ આગળ વધ્યું છે. જીત નક્કી થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રાહુલે 6 વાર મીડિયાને નમસ્કાર કર્યા બાદ કહ્યું હતું કે કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે અને હવે પ્રેમની દકાન ખુલી છે.

રાહુલે વધુમાં કહ્યું કે, અમે ગરીબોના મુદ્દે લડ્યા. પ્રેમથી લડ્યા. કર્ણાટકની જનતાએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. આ સૌ કોઈની જીત છે. કર્ણાટકની જનતાની જીત છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કર્ણાટકની જનતાને 5 વચન આપ્યા છે તે તમામ વચનો પહેલાં દિવસે પહેલી કેબિનેટમાં જ પૂરા કરવામાં આવશે.
બીજી તરફ ભાજપે કર્ણાટકમાં પોતાનો પરાજય સ્વીકારી લીધો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે અમે પરિણામોની સમીક્ષા કરીશું. લોકસભાની ચૂંટણીમાં મજબૂતાથી પરત ફરીશું.

કર્ણાટકમાં ભારે ઉત્સાહ વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક તબક્કામાં 119 સીટ પર કોંગ્રેસ આગળ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કોંગ્રેસ ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયારે ભાજપ બીજા અને જેડીએસ ત્રીજા નંબરે છે.

આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. પાર્ટી 119 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 72 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 26 પર આગળ છે. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે. 10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે તેનું પરિણામ કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો. કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને ફગાવીને વિકાસની રાજનીતિ પસંદ કરી છે. આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થશે.

Most Popular

To Top