Columns

જીવનની બ્લેસીંગ ગણો, પ્રોબ્લેમ નહિ

સાંજે સોસાયટીમાં સિનિયર સીટીઝન આંટીઓ ભેગાં મળીને થોડાં ભજન ગાઈને પછી વાતો કરી રહ્યાં હતાં. ચોથે માળે રહેતાં સીમાબહેન બોલ્યાં, ‘નોકરીમાંથી રીટાયર થઇ પણ થોડા દિવસ સારું લાગ્યું પણ હવે ઘરમાં રહેવું ગમતું નથી. બહુ કંટાળો આવે છે.’ તેમની નીચે રહેતાં રીના બહેન બોલ્યાં, ‘અરે, તમે ટીચર હતાં અને રીટાયર તો થયાં, અમારા જેવા હાઉસવાઈફને તો કયારેય કામમાંથી રીટાયરમેન્ટ મળતું જ નથી.’ તેમની બાજુમાં રહેતાં સોનાબહેને મમરો મૂક્યો, ‘કેમ, તારે તો 6 મહિનાથી વહુ આવી ગઈ છે પછી શું તે કામ કરતી નથી.’

રીનાબહેન બોલ્યાં, ‘અરે, સી.એ. ભણેલી વહુ આવી છે તે થોડી ઘરનું કામ કરે? ઉલટું હું તેનું પણ ટીફીન બનાવીને આપું છું.’ દીનાબહેન બોલ્યાં, ‘નસીબદાર છો કે દીકરો પરણાવ્યો અને વહુ તો સમયસર લાવ્યાં. મારા દીકરાને તો હજી આગળ ભણવું છે, ખબર નહિ કયારે લગ્ન માટે હા પાડશે.’ બધાની વાતો ચાલુ હતી. ક્યારનાં ચુપચાપ તેમની વાતો સાંભળી રહેલાં લેખિકા રૂપાલીબહેન હસી પડ્યાં. બધાએ તેમની સામે જોયું. દીનાબહેને કહ્યું, ‘રૂપાલીબહેન, મારો દીકરો લગ્ન કરવા તૈયાર નથી થતો તેમાં તમને હસવું કેમ આવે છે?’

રૂપાલીબહેન બોલ્યાં, ‘ના, ના, દીનાબહેન એટલે નથી હસતી. હું હસું છું આપણા વિચારો પર.આપણી માનસિકતા પર, જેમાં હું તમે આપણે બધાં જ આવી ગયાં. આપણે બધા જ જીવનમાં સતત આપણા પ્રોબ્લેમ ગણીએ અને ગણાવીએ છીએ. સતત પ્રોબ્લેમ વિષે જ વાતો કરીએ છીએ. આપણે આપણા બ્લેસીંગ ગણતા જ નથી.’ રીનાબહેને કહ્યું, ‘બહેન, વાતોમાં બધું સારું લાગે પણ પ્રોબ્લેમ હોય તો તેની જ વાત કરીએ ને. બ્લેસીંગ ગણવા માટે જીવનમાં બ્લેસીંગ જેવું કૈંક હોવું જોઈએ ને’

રૂપાલીબહેન બોલ્યાં, ‘કોઈ મારી વાતનું ખરાબ ન લગાડતાં, આપને જીવનમાં બ્લેસીંગ હોય છે તેની પર ધ્યાન આપતા નથી અને જે પ્રોબ્લેમ્સ હોય છે તેની પર જ ફોકસ કરીએ છીએ. સીમાબહેનને રિટાયરમેન્ટમાં પેન્શન મળે છે અને હવે મનગમતી પ્રવૃત્તિ અને આરામ કરવાનો સમય મળ્યો છે પણ તેમને કંટાળો આવે છે. રીનાબહેનને હસતો રમતો પરિવાર છે, ભણેલી વહુ મળી છે તો કામ નથી કરતી તેનું દુઃખ છે. દીનાબહેનનો દીકરો આટલો હોંશિયાર છે, કેટલું ભણે છે તો તે લગ્ન માટે તૈયાર નથી તેનું દુઃખ લઈને બેઠાં છે. જુઓ, તમારા બધા પાસે રાજી થવા જેવું ઘણું છે, ઘણા બ્લેસીંગ છે પણ તમારે તે જોવા નથી અને ગણવા નથી અને જે તમારી પાસે નથી કે તમને ગમતું નથી બસ તેને જ મોટો પ્રોબ્લેમ ગણી તેની જ વાતો કરવી છે. જીવનમાં ખુશ રહેવું હોય અને બધાને ખુશ રાખવાં હોય તો બસ એટલું જ કરો. ‘જીવનમાં જે બ્લેસીંગ્સ હોય તેને ગણો અને પ્રોબ્લેમ્સ નહિ.’ બધાને લાગ્યું સાચી વાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top