Charchapatra

સુરતી ફરસાણમાં સીંગતેલના બદલે કપાસિયા તેલ?

વધતી મોંઘવારીથી સુરતની શાન વિસરાતી જાય છે. આજથી સાંઠ વર્ષ પહેલાં 2.50 પૈસા કિલોના ભાવે શુધ્ધ સીંગતલમાં બનાવેલ ભૂસું અને ફરસાણ ભજીયા જે સ્વાદિષ્ટ લાગતાં હતાં તે આજે 450રૂા.કિલો મળતાં ફરસાણમાં પણ સ્વાદ આવતો નથી. કારણ કે ભાવ સીંગતેલના લેવાય છે અને 98 ટકા દુકાનદારો કપાસિયાના તેલમાં બનાવે છે. ફરસાણના ભાવ વધારવા માટે સીંગતેલના ભાવનું કારણ દુકાનદારો રજૂ કરે છે પણ સીંગતેલના ભાવ ઘટે ત્યારે ફરસાણના ભાવ ઘટાડવાનું સુરતમાં થતું નથી કારણકે સુરત ધણીધોરી વગરનું મહાનગર છે. અહીં જિલ્લા કલેકટર અને પુરવઠા તંત્ર દેખાવ ખાતર ગ્રાહક પ્રવૃત્તિ જેવું કાંઇ નથી અને જે કોઇ છે તે અદાલતમાં સીમિત થઇ જાય છે.

ગ્રાહક મંડળ હશે તો જ ગ્રાહક કયાં લુંટાય છે તેની તેમને ખબર નથી. આજથી  પચાસ વર્ષ  પહેલાં સુરતમાં ગ્રાહક પ્રવૃત્તિ સરસ ચાલતી હતી અને વસંતભાઇ દલાલ અને બચુભાઇ વશી જેવા કાર્યકરો ખુલ્લેઆમ નફાખોરોની સામે પડતા. આજે આવું કાંઇ દેખાય છે? સરકાર પોતે સીંગતેલના રાજકારણમાં રમે છે એટલે સીંગતેલના ભાવને કાબૂમાં રાખી શકતી નથી અને પોતાની જવાબદારીમાંથી છટકી જવા કપાસિયાનું તેલ પણ સારું છે એવો પ્રચાર કરી લોકોના આરોગ્ય સાથે રમત રમે છે. સુરતનું ભુસું માત્ર ખુશી માટે ખવાતી ચીજ નથી. સુરતની 70 લાખની વસ્તીમાંથી અડધો અડધ લોકો ગરીબીને કારણે 50 ગ્રામ ભુસુ ખાઇને કે 100 ગ્રામ સાદા ખમણ ખાઇને પેટ ભરે છે. આવા લોકોની કોઇને કાંઇ નથી પડી?
સુરત     – ધનસુખભાઇ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top