રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા તલાટી-ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી, ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. જે તે વખતે ફોર્મ ભરતી વખતે ફી વસૂલ કરવામાં આવી હતી. હવે ભરતી પરીક્ષા રદ થતાં ભરેલી પરીક્ષા ફી ૧૧૦ રૂપિયા પરત લેવા માટે બેરોજગાર ઉમેદવારોએ ૪૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે તેવા રાજ્ય સરકારના અનઘડ વહીવટથી લાખો બેરોજગાર યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તલાટી – કલાર્કની ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ફી પેટે ભરેલા રૂ. ૧૧૦ પરત લેવા માટે દરેક બેરોજગાર યુવાને રૂ. ૪૦૦ ખર્ચીને જિલ્લા પંચાયત કચેરીએ જવું પડશે. આ તે કેવું ડિજિટલ ગુજરાત ? ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા પર ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી. વર્ષ ૨૦૧૮માં તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા.
તલાટી – કલાર્કની ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી ૨૦ કરોડ રૂપિયાથી વધુની પરીક્ષા ફી વસુલાઈ હતી. તલાટી – કલાર્કની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં લઇ જવાને બદલે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા રદ કરીને વિધાનસભામાં કાયદાની જોગવાઈ કરીને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારે પોતાના હસ્તક મેળવી લીધી છે સરકારે આ તમામ ફોર્મ રદ્દ કરી દીધા છે. ૧૧૦ રૂપિયા પરત લેવા માટે ૪૦૦ રૂપિયા ખર્ચ કરવો પડે તેવી ભાજપ સરકારની નીતિથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારના ૩૫ લાખ યુવાનોના સમય, શક્તિ અને નાણાં ખર્ચાશે અને ભરતી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નથી.
ડૉ. મનીષ દેશીએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ ૧, ટેટ ૨, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. તલાટી ભરતી માટે ૧૫ – ૧૫ લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.