સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા છે. રેલવે (Railway) બોર્ડ દ્વારા લોકશક્તિ એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ, બાન્દ્રા-દહેરાદુન એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોના કોસંબા સ્ટેશન પર સ્ટોપેજ (Stoppage) કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અપડાઉન કરતાં આશરે 5000 મુસાફરોને ભારે તકલીફ પડે તેવી શકયતા છે. કારણ કે ભરૂચથી વાપી વચ્ચે ડેઇલી હજારો મુસાફરો પ્રવાસ કરતા હોય છે. જેમાં કોસંબા મુખ્ય સ્ટેશન માણવામાં આવે છે. રેલવે દ્વારા કોસંબા સ્ટેશન પર નવી ટ્રેનોના સ્ટોપેજ આપવાના બદલે સ્ટોપેજ રદ કરવામાં આવતાં મુસાફરોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
એક તરફ બસ મારફતે અપડાઉન કરતા લોકો ધીરે ધીરે ટ્રેનનો ઉપયોગ કરતા થયાં છે. ત્યારે રેલવે દ્વારા સ્ટોપેજ રદ કરવામાં આવતા રોજ બરોજના મુસાફરોને તેની સીધી અસર પહોંચશે. આગામી દિવસોમાં મુસાફરો આંદોલન કરે તેવી શકયતા છે. કોસંબા રેલવે સ્ટેશન આમતો વડોદરા ડિવિઝનમાં આવે છે. વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેશનના વિકાસ માટે ધ્યાન આપે તેવી માંગ મુસાફરોમાં ઉઠી છે.
પશ્ચિમ રેલવે દ્વારા ચાર વિશેષ ટ્રેન દોડાવાશે
સુરત: બીજી તરફ સુરતના મુસાફરોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવસોમાં મુસાફરની સગવડ માટે ચાર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદ -ઋષિકેશ યોગા સ્પેશિયલ અને ઓખા -દહેરાદુન એક્સપ્રેસ પણ સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ એવી ટ્રેનો છે જેને સુરતમાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં બાન્દ્રા ટર્મિનસ -અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ -હરિદ્વાર, ઓખા -દહેરાદુન અને અમદાવાદ-ઋષિકેશ વચ્ચે 4 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાન્દ્રા ટર્મિનસ -અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન 10 જાન્યુઆરીએ બાન્દ્રા ટર્મિનસથી 7:40 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે મળસ્કે 4:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને સુરતમાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આવી જ રીતે બાન્દ્રા ટર્મિનસ -હરિદ્વાર એક્સપ્રેસ 11મી જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:20 વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન પણ સુરત સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ -ઋષિકેશ યોગા સ્પેશિયલ અને ઓખા -દહેરાદુન એક્સપ્રેસ પણ સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.