વડોદરા : સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. છાણી ગામ પાસે સેનેટરી વિભાગ ખાતે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ અને ૫૦થી વધુ સફાઈ સેવકોને ખખડાવ્યા હતા અને સફાઈ બરાબર નહીં કરો તો દંડાવાળી કરાશે તેમ કહેતા સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. આખરે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપતા મામલો થાળે પડ્યો હતો.
શહેરના વોર્ડ નંબર 1 છાણી ગામના વહીવટી વોર્ડ નંબર 7 સેનેટરી વિભાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવા કામદાર વોર્ડના અધિકારીઓ સહિત સ્થાનિક કોર્પોરેટર હરીશ પટેલ અને રાજકીય આગેવાનો શપથના કાર્યક્રમમાં હાજર હતા ત્યારે શપથવિધિ બાદ કોર્પોરેટર હરીશ પટેલે સફાઈ કર્મચારીઓને જણાવ્યું હતું કે તમે નિયમિત સાફ સફાઈ કરતા નથી. જો કામ બરાબર નહીં કરો તો દંડાવાળી કરવામાં આવશે અને મ્યુનિ કમિશનરને કહી તમારા લાભો અટકાવી દેવામાં આવશે અને કમિશનરને કહીને તમારી નોકરીમાંથી પણ કાઢી મૂકાશે તેવા કેમ કહેતા સફાઈ કર્મચારીઓ હોબાળો મચાવ્યો હતો. જેથી સફાઈ કર્મચારીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
ત્યારબાદ સફાઇ કર્મીઓ વીજળીક હડતાળ પર ઉતરી જતાં મામલો ગરમાયો હતો. સફાઈ કર્મચારીઓને સમજવા માટે સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડ , અમી રાવત અને કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવત પણ પહોંચી ગયા હતા.જો કે આ અગાઉ હરીશ પટેલ ઘટનાસ્થળેથી ઘરે જવા નીકળી ગયા હતા. ત્યારે શહેર ભાજપના એસટી એસસી સેલના પ્રમુખ સહિત વાલ્મિકી સમાજના અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વાલ્મિકી સમાજના આગેવાનો વોર્ડ આસી મ્યુનિ કમિશનર સુરેશ તેવરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવતાં આસી મ્યુનિસિપલ કમિશ્નરે તપાસમાં હૈયાયાધાર ના આપતા મામલો થાળે પડ્યો હતો.