લુણાવાડા : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણા ગામની સીમમાં મસમોટું ગાબડું પડતાં અફડા તફડી મચી ગઈ હતી. કમોસમી વરસાદનો માર સહન કરતાં ખેડૂતોને કેનાલના બાંધકામના ભ્રષ્ટાચારથી મરણતોલ ફટકો પડ્યો છે. કેનાલનું પાણી આસપાસની 40 હેક્ટરથી વધુ જમીનમાં ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયાં હતાં. જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી જન્મી હતી.
ખાનપુર અને મેણાં ગામની સીમમાંથી પસાર થતી ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલ કેનાલમાં શનિવારના રોજ ૪૦ ક??????્યુસેક પાણી ટેસ્ટિંગ માટે છોડવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. અંદાજે રાત્રિના ત્રણેક વાગ્યાના સુમારે નબળા બાંધકામના પગલે અચાનક પડેલા ૩૦ ફૂટ જેટલા મસમોટા ગાબડાંના કારણે આજુબાજુના વિસ્તારમાં લાખો લિટર પાણી ફરી વળ્યા અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક, લણેલા પાક, ઘાસ અને પાળા માટી ધોવાઈ ગયાં હતાં.
આ અંગે ખેડૂતો દ્વારા રાત્રે જ જાણ કરવામાં આવી હતી. પરંતુ બેદરકાર અધિકારીઓ દ્વારા સવારે કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયાં હતાં. ખેડૂતોના ઘઉં, બાજરી, લચકો, ચીકુડી, મકાઇ તેમજ ઘાસચારાના પાકો ધોવાઈ ગયા હતાં. સાથે સાથે માટી અને પાળા પણ ધોવાઈ ગયા હતાં. અંદાજે ૩૦ ફૂટ જેટલા મસમોટા મોટા ગાબડાંના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને તેમના નુકશાનનું વળતર કોણ આપશે ? તે ખેડૂતો પૂછી રહ્યા છે.
વધુમાં ખેડૂતોને નુકશાન તો થયું પરંતુ હવે આગામી સમયમાં સિંચાઇ માટે ક્યારે ફરી પાણી મળશે ? તે પણ મોટો સવાલ છે. જિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વિરપુર તાલુકાના ખેડૂતો આ કેનાલથી સિંચાઇનો લાભ મેળવી રહયા છે ત્યારે ગાબડાં એ માવઠાનો માર વેઠી રહેલા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ બાબતે રોષે ભરાયેલાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, કેનાલ ૧૯૮૦-૮૨માં બની ત્યારથી આજસુધી સાફસફાઇ કે રીપેર કરવામાં આવી નથી અને જાળવણીના અભાવે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના સમારકામ અને સાફસફાઈના નામે વપરાતાં નાણાં કયાં વપરાયા ? તેવા પ્રશ્નોના જવાબ મળી રહ્યા નથી. મહીસાગર જિલ્લાના સિંચાઇ વિભાગ દ્વારા નહેરના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું વારંવાર આક્ષેપ થતાં રહે છે. આમ છતાં પગલાં ન ભરાતાં આ બદી વધી છે.