વલસાડનાં ઉમરસાડીમાં નિર્માણ પામી રહેલ બ્રિજ તૈયાર થાય તે પહેલા જ નમી પડ્યો છે. આ ઘટનાને પગલે બ્રિજમાં થયેલ ભ્રષ્ટ્રાચાર સામે આવ્યો છે. ઉમરસાડીથી દરિયા કિનારે જવા માટે બ્રિજ બનતો હતો. આ નિર્માણધિન બ્રિજનો પીલ્લર નમી પડ્યો હતો. ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને કારણે રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ચર્ચા થઈ રહી છે. આ પુલનું ખાતમુહૂર્ત 2022માં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં રૂપિયા 8 કરોડથી વધુ ખર્ચે તૈયાર થઈ રહેલા વોકવે અટલ બ્રિજનો પીલ્લર દરિયાઈ ધોવણને લઈ ધરાશાયી થતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના અંગે જાણકારી મેળવતા આ બ્રિજ તૂટી પડવાનું કારણ દરિયાઈ ભરતીના ધોવણ અને ભારે વરસાદને લઈ બોક્ષ ખેંચાઇ પડ્યું હતું. બ્રિજનું કામ હાલ 50% પૂર્ણ થયેલું હતું. અમદાવાદ અટલ વોકવે બ્રિજની ડિઝાઇન વાળો બ્રિજ પારડીના ઉમર સાડી દેસાઈવાડ દરિયા કિનારે નિર્માણ થઈ રહ્યો છે. જે બ્રિજ ખાસ ટુરિસ્ટ પોઇન્ટ પર્યટનને વિકસાવવા અને સ્થાનિકોને હરવા ફરવા બ્રિજ ઉપર વૉકવે માટે રૂપિયા 8 કરોડ ફાળવ્યા હતા.
હાલ બ્રિજનું કામ થોડા માસથી બંધ પડ્યું હતું. આ બ્રિજ તિથલ કોસ્ટેલ હાઇવે પારડી થઈ દમણ દેવકા બીચ સુધી પર્યટકો માટે હરવા ફરવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે. અટલ બ્રિજ તૈયાર કરવા માટે દરિયાઈ વહેણનું પાણી ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ હાલ સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ અને આજે અમાસની ભરતીના મોજાં દરિયાઇ ધોવણને લઈ આજે બ્રિજનો એક પીલ્લર ધરાશાયી થતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.