નવી દિલ્હી: ભ્રષ્ટાચાર (Corruption) સામે કાર્યવાહી કરવા માટે આજે રાજકીય ઇચ્છાશક્તિની કોઈ કમી નથી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારી ગમે તેટલા શક્તિશાળી હોય, કોઈ પણ ખચકાટ વિના કાર્યવાહી કરવી જોઈએ, એમ વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની (સીબીઆઈ) હીરક જયંતીની ઉજવણીના સમારોહમાં એક સભાને સંબોધતા, વડા પ્રધાને કહ્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહી અને ન્યાય માટે સૌથી મોટો અવરોધ છે અને એજન્સીની મુખ્ય જવાબદારી ભારતને તેમાંથી મુક્ત કરવાની છે.
દેશની જનતાની ઈચ્છા છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીને બક્ષવામાં ન આવે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે દાયકાઓથી ભ્રષ્ટાચારથી લાભ મેળવનારાઓએ એક ઇકોસિસ્ટમ બનાવી છે જે તપાસ એજન્સીઓ પર હુમલો કરે છે. પણ એજન્સીઓએ ભ્રષ્ટાચારીઓની શક્તિ અને ઈકોસિસ્ટમની વાર્તાઓથી વિચલિત થવું જોઈએ નહીં. આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને ભૌગોલિક સીમાઓની બહાર પણ મોટા પાયા પર લોકો, માલ સામાન અને સેવાઓની અવરજવરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે ભારતની આર્થિક શક્તિ વધી રહી છે જ્યારે અવરોધો સર્જનારાઓ પણ વધી રહ્યા છે.
તેમણે ચેતવણી આપી હતી કે ભારતના સામાજિક માળખા, તેની એકતા અને ભાઈચારો, તેના આર્થિક હિતો અને સંસ્થાઓ પર પણ હુમલા વધશે. મોદીએ કહ્યું કે આઝાદી સમયે ભારતને ભ્રષ્ટાચારનો વારસો મળ્યો હતો અને એ હકીકત પર શોક વ્યક્ત કર્યો કે તેને દૂર કરવાને બદલે કેટલાક લોકો આ બીમારીને પોષતા રહ્યા. તેમણે કહ્યું કે આજના દિવસોમાં ટ્રીલીયન ડોલરના મજબૂત અર્થતંત્રની વાત ચાલી રહી છે જ્યારે એક દાયકા અગાઉ જ્યારે સીબીઆઈએ પોતાની સુવર્ણ જયંતી ઉજવી હતી ત્યારે આ પ્રકારના આંકડાઓ દેશમાં કોભાંડોના સંદર્ભમાં વપરાતા હતા.
ગૃહ મંત્રાલયે 1 એપ્રિલ 1963ના રોજ એક ઠરાવ દ્વારા સીબીઆઈની સ્થાપના કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું આજે પણ કોઈ કેસનો ઉકેલ નથી આવતો ત્યારે તેને સીબીઆઈને સોંપવાની માગ કરવામાં આવે છે. સીબીઆઈ સત્ય અને ન્યાયના પર્યાવાચી જેવું છે.