ચૂંટણી પતી ગયા પછી નવા નિમાયેલા પ્રધાન પાસે એક વ્યકિત ગયો.એણે ભ્રષ્ટાચાર વિશે વાત કરવા મુલાકાત માગી તો પ્રધાને ચોખ્ખું કહી દીધું કે આવા ચવાઈ ગયેલા વિષય માટે મારી પાસે સમય નથી.એવ્યકિત બાદમાં એક સંત પાસે ગયો.એને આશા હતી કે એના મનનું સમાધાન થશે.તો સંતે કહ્યું કે ભ્રષ્ટાચાર એ એક ગ્લોબલ ફીનોમીના છે. એ માત્ર ભારત જ નહિ, વિશ્વવ્યાપી છે.તમને ખબર છે? ભ્રષ્ટાચાર તો રાજા રામના કાળમાં પણ હતો.હા, એના ઓછા વધતા પ્રમાણ વિશે મતભેદ હોઇ શકે.સંત તો જ્ઞાની પુરુષ હતા, એટલે વિગતે વાત કરતાં એમણે કહ્યું કે જે સ્થાન ફૂલોમાં સુગંધનુ છે,રસોઈમા મીઠાંનું છે,દૂધમાં મલાઈનું છે, છાશમાં માખણનું છે,શીખંડમાં ખાંડના પ્રમાણનું છે અને ફિલ્મોમાં હિંસાનું છે એ સ્થાન આજે વહીવટનાં તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું છે એટલે આનાથી બહુ વ્યથિત થવાની જરૂર નથી.
સુરત -પ્રભાકર ધોળકિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વેલકમ ૨૦૨૩ પૂર્તિ
‘ગુજરાતમિત્ર’ દ્વારા બાય બાય ૨૦૨૨ ની ત્રણ પૂર્તિઓ પ્રકાશિત થયા બાદ તા. ૨ જાન્યુ.૨૦૨૩ ના રોજ વેલકમ ૨૦૨૩ ની જે પૂર્તિ પ્રકાશિત કરવામાં આવી છે તેમાં પહેલા પાને ત્રણ મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક વાત એવી જણાવાય છે કે આપણો દેશ ૨૦૨૩માં ચીનને પછાડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. આ વાત દેશ માટે ખરેખર ચિંતા ઉપજાવનારી છે કારણ આમ પણ અત્યારે દેશની ૧૩૦ કરોડ કરતાં વધુ વસ્તીમાં અશિક્ષિતોનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધુ છે એટલે સ્વાભાવિક છે કે જે વસ્તી વધી રહી છે તેમાં અશિક્ષિતની સંખ્યા વધશે, જે દેશના વિકાસને પણ અવરોધરૂપ સાબિત થઈ શકે. આના ઉપાય તરીકે કોમન સિવિલ કોડનું હોવું ખૂબ જ જરૂરી છે જેથી દેશનાં તમામ નાગરિકોને એક જ કાયદા હેઠળ આવરી લેવાય અને તો વસ્તીવધારો સંપૂર્ણપણે તો નહીં કહી શકાય, પણ ગણનાપાત્ર માત્રામાં નિયંત્રણમાં લાવી શકાય. બીજી વાત જે પ્રકાશિત થઈ છે તે આપણા દેશને G ૨૩ નું સુકાન મળ્યું છે તે છે અને તેનું સંમેલન આપણા દેશમાં યોજાશે. દરેક દેશવાસી માટે આ ગૌરવપ્રદ ઘટના ગણી શકાય અને ત્રીજી વાત એ કે આ વર્ષે દેશનાં નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીનાં પરિણામો દેશના ભવિષ્ય પર ચોક્ક્સ અસર કરશે. આ સિવાય પણ ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી છે. સાચા અર્થમાં વર્ષ ૨૦૨૩ ને વેલકમ કરવામાં આવ્યું છે. તે માટે ‘ગુજરાતમિત્ર’ને અભિનંદન.
સુરત – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.