Columns

શિક્ષક ભરતી કૌભાંડનો ભ્રષ્ટાચાર મમતા બેનરજી માટે હાનિકારક પુરવાર થશે

દિલ્હીમાં શરાબ કૌભાંડ જેમ કેજરીવાલના પતનનું કારણ બન્યું હતું તેમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મમતા બેનરજી માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં, ૨૦૧૬ના શિક્ષક ભરતી કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મમતા બેનરજી સરકારને મોટો ફટકો પડ્યો છે અને ૨૬,૦૦૦ શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની નોકરીઓ રદ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ નિર્ણયથી પ્રભાવિત શિક્ષકોને મળીને આ કૌભાંડના ડાઘને ધોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષી પક્ષ ભાજપે તેને મુદ્દો બનાવીને સરકાર પર હુમલો વધુ તીવ્ર બનાવી દીધો છે. શિક્ષક ભરતી કૌભાંડે માત્ર મમતાની છબીને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ લાખો પરિવારોને પણ અનિશ્ચિતતામાં મૂકી દીધા છે. ભાજપનું કહેવું છે કે જ્યાં સુધી મમતા સરકારને જવાબદાર ઠેરવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ મુદ્દો છોડશે નહીં. બીજી તરફ, અસરગ્રસ્ત શિક્ષકોનો ગુસ્સો અને રસ્તાઓ પર વધી રહેલા વિરોધ મમતા માટે એક નવો પડકાર બની રહ્યા છે. આ કેસ પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC) દ્વારા ૨૦૧૬ માં હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાઓ સાથે સંબંધિત છે.

૨૪,૬૪૦ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવી તેમાં ૨૩ લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. કમિશને કુલ ૨૫,૭૫૩ નિમણૂક પત્રો જારી કર્યા હતા. ભરતી પરીક્ષાનું પરિણામ ૨૭ નવેમ્બર ૨૦૧૭ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં કમિશને કોઈ કારણ આપ્યા વિના મેરિટ લિસ્ટ રદ કરી દીધું હતું. સિલિગુડીની રહેવાસી બબીતા ​​સરકાર નામની ઉમેદવાર યાદીમાં ૨૦મા ક્રમે હતી, પરંતુ બાદમાં મેરિટ લિસ્ટમાં તેનું સ્થાન ૨૦ થી બદલીને ૨૧ કરવામાં આવ્યું હતું. અંકિતા અધિકારીનું નામ આ લિસ્ટમાં ૨૦મા નંબરે હતું. ભરતી પરીક્ષામાં બબીતાએ ૭૭ ગુણ મેળવ્યા હતા અને અંકિતાએ ૬૧ ગુણ મેળવ્યા હતા. ઓછા માર્ક્સ હોવા છતાં કમિશને અંકિતાને મેખલીગંજ સ્થિત ઇન્દિરા હાઇસ્કૂલમાં નિયુક્ત કરી હતી. અંકિતા શિક્ષણ રાજ્યમંત્રી પરેશ ચંદ્ર અધિકારીની પુત્રી છે.

બબીતા ​​અને અન્ય એક ઉમેદવારે નવાં મેરિટ લિસ્ટ સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. મે ૨૦૧૭ માં કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ કેસની તપાસ શરૂ કરી હતી. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અવિજિત ગંગોપાધ્યાયના આદેશ પર સરકારે ૨૦૨૨ માં અંકિતા અધિકારીને બરતરફ કરી હતી અને તેનો આખો પગાર પાછો ખેંચી લીધો હતો.

તેના સ્થાને બબીતા ​​સરકારની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ બબીતા ​​પણ લાંબા સમય સુધી પોતાના પદ પર રહી શકી નહીં. હાઈકોર્ટે પોતાના આદેશમાં સુધારો કરીને બબીતાના સ્થાને અનામિકા રોયની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. અનામિકા રોયે દાવો કર્યો હતો કે બબીતાનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં ભૂલ થઈ હતી. કોર્ટે અનામિકાના દાવાથી સંતુષ્ટ થઈને બબીતાની નિમણૂક રદ કરી અને તેને પગાર અને ભથ્થાં તરીકે મળેલા ૧૫,૧૨,૮૪૩ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો.

કલકત્તા હાઈકોર્ટે આ કૌભાંડની સુનાવણી કરી હતી. તેણે નિવૃત્ત ન્યાયાધીશ રણજીત કુમાર બાગના અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ગ્રુપ-ડી અને ગ્રુપ-સીમાં કરવામાં આવેલી નિમણૂકોમાં પણ અનિયમિતતાઓ શોધી કાઢી હતી. તેણે કહ્યું હતું કે ગ્રુપ સીમાં ૩૮૧ અને ગ્રુપ ડીમાં ૬૦૯ નિમણૂકો ગેરકાયદેસર હતી. આ સમિતિએ પોતાના અહેવાલમાં કમિશનના તત્કાલીન અધ્યક્ષ કલ્યાણમય ગાંગુલી સહિત પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ રિપોર્ટના આધારે હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું. સીબીઆઈએ એપ્રિલ-મે ૨૦૨૨માં પાર્થ ચેટરજીની પૂછપરછ કરી હતી. તેઓ ૨૦૧૪ થી ૨૦૨૧ સુધી મમતા બેનરજી સરકારમાં શિક્ષણ મંત્રી હતા. ચેટરજીની પૂછપરછ કર્યા પછી, સીબીઆઈએ આ કેસમાં મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ મામલામાં સામેલ થયું. પૂછપરછ બાદ EDએ ૨૪ જુલાઈ ૨૦૨૨ના રોજ પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી.

તેની સાથે તેની ગર્લફ્રેન્ડ અને મોડેલ અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અર્પિતાના ફ્લેટ પર દરોડા દરમિયાન, EDએ ૨૧ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ૨૦ આઇફોન જપ્ત કર્યા હતા. ED એ કહ્યું હતું કે આ રકમ શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત હતી. EDએ અર્પિતાના ઘરે ફરી દરોડા પાડ્યા. આમાં તેમના ઘરમાંથી ૨૭.૯ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત EDએ ૪.૩૧ કરોડ રૂપિયાનું સોનું પણ જપ્ત કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં પાર્થ ચેટરજીને જામીન આપ્યા હતા. તેમને જામીન આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે તેઓ કોઈ જાહેર પદ સંભાળશે નહીં પરંતુ ધારાસભ્યની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખી શકે છે. મમતા બેનરજીના વિશ્વાસુ મંત્રીની આ કૌભાંડમાં ધરપકડ થતાં શંકાની સોય મમતા તરફ પણ તાકવામાં આવી હતી.

ગયાં વર્ષે ૨૨ એપ્રિલના રોજ, કલકત્તા હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા રદ કરી હતી અને આ મામલાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. મમતા સરકારે ૨૯ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ પર રોક લગાવી દીધી હતી, પરંતુ ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયને યોગ્ય માન્યો હતો. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય જાહેર કરી અને પસંદગી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કેટલાક ઉમેદવારોને રાહત પણ આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મમતા બેનરજીએ કહ્યું કે તેઓ ન્યાયતંત્રનો આદર કરે છે, પરંતુ સરકારી અને સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં નિમણૂકો અંગેના નિર્ણય સાથે અસંમત છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત ઉમેદવારોને ટેકો આપવા માટે તેઓ ધરપકડ વહોરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેમની સરકાર નિર્ણયનું પાલન કરશે અને શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરશે.

મમતાએ દાવો કર્યો હતો કે તેમની પાસે પ્લાન બી, પ્લાન સી અને પ્લાન ડી તૈયાર છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં લાયક શિક્ષકોને તેમની નોકરી ગુમાવવા દેશે નહીં. મમતાએ શિક્ષકોને અપીલ કરી કે જો કોર્ટ તેમને કામ કરતા અટકાવે તો તેમણે સ્વૈચ્છિક ધોરણે શિક્ષણ આપવાનું ચાલુ રાખવું જોઈએ. જો કે, શિક્ષકો અને વિપક્ષે આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નોકરી ગુમાવનારા શિક્ષકોએ મમતાના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી. એક શિક્ષકે કહ્યું કે અમને લોલીપોપ આપવામાં આવી છે. અમે સ્વૈચ્છિક કાર્ય કરી રહ્યા છીએ એમ કહીને અમારી મજાક ઉડાવવામાં આવી રહી છે.

બીજી બાજુ, ૨૬,૦૦૦ અસરગ્રસ્ત લોકોમાંથી લાયક અને અયોગ્યની ઓળખ કેવી રીતે કરવામાં આવશે તે પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલો છે. મમતાએ કહ્યું કે તે કોર્ટ પાસે આની યાદી માંગશે, પરંતુ નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયા જટિલ હશે. શિક્ષકોની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને એક શિક્ષક તો સ્ટેજ પર રડતા પણ જોવા મળ્યા હતા. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા પર નિશાન સાધતા કહ્યું કે આ મુખ્યમંત્રીની મુલાકાત નથી પરંતુ ટીએમસીની રાજકીય મુલાકાત છે.

શુભેન્દુ અધિકારી અસરગ્રસ્ત શિક્ષકોને મળ્યા હતા અને તેમણે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો સાથે વિરોધ પણ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે લોકોએ ટીએમસીના નેતાઓ પાસેથી તેમના પૈસા પાછા માંગવા જોઈએ. જો તેઓ ન આપે, તો તેમને દોરડાથી બાંધીને કાલીઘાટ સુધી ખેંચી જાઓ. શુભેન્દુ અધિકારીએ નોકરી ગુમાવનારાઓના સમર્થનમાં નબાન્નો માર્ચની ચેતવણી આપી હતી, જેમાં ભાજપના નેતાઓ ૨૧ એપ્રિલે જોડાવાના છે. અસરગ્રસ્ત શિક્ષકોએ તે જ દિવસે નબાન્નો પહોંચવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મમતાને ભીડવવા ભાજપને મજબૂત મુદ્દો મળી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top