‘ખાતો નથી ને ખાવા દેતો નથી’ મોદી સાહેબે આમ કહ્યું હતું! અને જ્યાં સુધી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યાં સુધી તો એમનું બોલેલું પાળ્યું છે, એ હકીકત છે! મોદી સાહેબના સમયમાં ગુજરાતની એક પણ સરકારી ઓફીસોમાં આજ જેટલો ભ્રષ્ટાચાર દેખાયો નથી! આજે સુરેન્દ્રનગરની આખેઆખી કલેકટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો નીકળી. તો સુરતમાં ગરીબ મજૂરોને એમની મંડળી બનાવવા માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના લાંચીયા અધિકારીઓએ ના છોડ્યા! એમને સહેજે શરમ ના આવી! ગુજરાતની પોલીસ ખાતા સહિતની તમામ સરકારી કચેરીઓમાં આજે પટાવાળાથી લઇને કલાસ-1 સુધીના અધિકારીઓ ‘અપચો’ થાય એટલી હદે ખાય છે! જાણે એમને કાયદાનો કોઇ ખૌફ કે ડર જ નથી!
અરે નિવૃત્ત થનાર શિક્ષકને પણ એનું પેન્શન શરૂ કરાવવા માટે ડીઇઓની ઓફિસમાં ‘સફેદ કવર’ આપવું પડે છે અને આ સ્વીકારનાર કલાર્ક પણ કોઇ શિક્ષકનો વિદ્યાર્થી જ હશે ને? ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર બુલેટ ટ્રેનની ગતિથી આગળ વધી રહ્યો છે. એક પણ સરકારી ઓફીસોમાં ‘વજન’ મૂકયા વગર કામો થતા નથી અને ‘વજન’ મૂકયા પછી બાંધકામના આખેઆખા મંજૂર થયેલા પ્લાન બદલાઇ જાય છે! ગુજરાત માટે ખરેખર આ નીચાજોણું છે, જો ભૂપેન્દ્ર દાદાની સરકાર ભ્રષ્ટાચાર ડામવાના ત્વરિત પગલા નહી લે તો સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બનશે એ હકીકત છે!
સુરત – ભાર્ગવ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.