Madhya Gujarat

પેટલાદમાં ડોર ટુ ડોર કચરાના કલેકશનમાં ભ્રષ્ટાચાર!

પેટલાદ : પેટલાદ નગરપાલિકા દ્વારા ગત મહિનાથી ડોર ટુ ડોર ઘનકચરાના કલેક્શન માટે ઈજારો આપવામાં આવેલો છે. આ કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાં અનેક વિસંગતતાઓ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઉપરાંત ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવતી મિલકતો કરતા વધુ મિલકતોના બીલનું ચુકવણું થતાં મોટા પાયે નાણાંકીય ભ્રષ્ટાચાર થયો હોવાની વાતનો છૂપો ગણગણાટ પાલિકા કેમ્પસમાં ચાલી રહ્યો છે. આ અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવનાઓ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પેટલાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાના કલેક્શન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લાઈવ એન્ટરપ્રાઈઝ (મહેસાણા), શિવ ભવાની કોર્પોરેશન (રાણપરી-બરવાળા), પૂજા એન્ટરપ્રાઈઝ (ભાવનગર), અર્બન એન્વાયર વેસ્ટ મેનેજમેન્ટ પ્રા લિ (નાગપુર) અને ત્રિશા કન્સલ્ટન્સી (પેટલાદ)ના મળી પાંચ ટેન્ડર મળ્યા હતા. જેમાં શિવ ભવાની કોર્પોરેશનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર મુજબ ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન અને સેગ્રીગેશન કરી એસડબલ્યુએમ પ્લાન્ટ લક્કડપુરા સુધી પહોંચાડવાની કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જેના આધારે પાલિકા અને શિવ ભવાની કોર્પોરેશન વચ્ચે 15મી ફેબ્રુઆરી,23ના રોજ 28 શરતોને આધિન કરારખત કરવામાં આવ્યાં હતાં. પરંતુ પાલિકા અને ઈજારદાર વચ્ચે થયેલા આ કરારખતમાં ક્યાંય ભાવ, સમય મર્યાદા કે મિલકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મિલકતોનો ઉલ્લેખ તો વર્ક ઓર્ડરમાં પણ નહીં હોવાનું જાણવા મળે છે. પરંતુ આ કામગીરીને એક મહિનો પૂર્ણ થતાં શિવ ભવાની કોર્પોરેશન દ્વારા પાલિકાને માર્ચ – 2023નું બીલ મોકલવામાં આવ્યું હતું. જેમાં 20,876 મિલકતોનું ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન 31 દિવસ માટે કર્યું હોવાની સાથે રૂ.5,84,528 મુકવામાં આવ્યું હતું.

હવે જો પાલિકામાં વેરા ભરતી મિલકતોની આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ 2021-22ના અંતે કુલ મિલકતો 20,817 હતી. જેમાં 15,879 રહેણાંક તથા 4868 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. આ 20,817માં કોમર્શિયલ ઉપરાંત ખુલ્લી જમીન, પ્લોટ, બંધ મકાનો, બાંધકામ ચાલુ હોય તેવી મિલકતો વગેરેનો સમાવેશ થાય છે. તો પછી સમગ્ર પેટલાદની પાલિકાના ચોપડે નોધાયેલા તમામ મિલકતો પાસેથી ઈજારદાર દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાનું કલેક્શન કરવું કેવી રીતે શક્ય છે ? શું શહેરની તમામ કોમર્શિયલ મિલકતો પાસેથી ઘન કચરો ડોર ટુ ડોર ઉઘરાવાય છે ? જો આ મામલે ઉચ્ચકક્ષાએથી ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી !

ચોપડે વોટર – ગટરના આંકડા શું દર્શાવે છે?
પેટલાદ પાલિકાના વેરા વિભાગના દફતરે વર્ષ 2021-22ના અંતે રહેણાંક મિલકતો 15,879 અને બિન રહેણાંક મિલકતો (કોમર્શિયલ) 4868 છે. પરંતુ તેની સરખામણીમાં વોટર કનેક્શન ધારકો 11,083 (રહેણાંક) અને 732 (કોમર્શિયલ) મળી કુલ 11,815 છે. તેવી જ રીતે રહેણાંકના ગટર કનેક્શન 7858 અને કોમર્શિયલના 203 મળી કુલ 8061 છે. આ આંકડાકીય માહિતી જોતા જાણી શકાય કે કેટલી મિલકતો ખુલ્લી જમીન, પ્લોટ, બંધ કે કોમર્શિયલ મિલકતોમાં હયાત હશે. તો શું આવી મિલકતોનો સમાવેશ પણ ડોર ટુ ડોર કલેક્શનની ગણતરીમાં લઈ શકાય ? જો ગણી હોય તો પણ બિલમાં મુકેલા આંકડા તેનાથી પણ વધુ છે.

કોન્ટ્રાક્ટમાં 70 લાખનો વહિવટની ચર્ચા
પેટલાદ પાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે માત્ર રૂ.28 પ્રતિ મિલકત, પ્રતિ માસથી ઈજારો આપવામાં આવેલો છે. પરંતુ જો તેની ગણતરી કરવામાં આવે તો મહિને રૂ.5.84 લાખ અને વર્ષે આ કચરાનું કલેક્શન કરી ડમ્પ સાઈટ સુધી પહોંચાડવાનો ખર્ચ રૂ.70 લાખને પહોંચે તેમ છે. જો કે આ ખર્ચ 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર છે.

છ મહિના બાદ વર્ક ઓર્ડર અપાયો
આ કામગીરીના ટેન્ડર 29મી ઓગષ્ટ 2022ના રોજ ખોલવામાં આવ્યા હતા. પરંતુ આ કામનો નિર્ણય અને વર્ક ઓર્ડર છ મહિના બાદ 28મી ફેબ્રુઆરી 2023ના રોજ ઇજારદારને આપવામાં આવ્યો હતો. જ્યારે કરારખત 15મી ફેબ્રુઆરી, 2023ના રોજ થયો હતો. તો ટેન્ડર ઓપન કર્યા પછી પણ શા માટે છ મહિના જેટલો લાંબો સમય વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ? આવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળે છે.

લોલમલોલ વહિવટ ખુલ્લો પડ્યો
પેટલાદ પાલિકાના મતવિસ્તારની હદ નવ વોર્ડની છે. પરંતુ પાલિકાના ટેક્ષ વિભાગ મુજબ પંદર વોર્ડનો વિસ્તાર છે. જેના માટે ઈજારદાર નવ વાહનો અને 17 જેટલા ડ્રાયવર તથા કર્મચારીઓ થકી ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામ સવારે 7 વાગ્યાથી બપોરે બે કલાક સુધી કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. તો શું સાત કલાકમાં વીસ હજાર મિલકતો પાસેથી ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન શક્ય છે ? તેમાંય બે વાગ્યા સુધીમાં તો ઘન કચરાનું કલેક્શન પતાવી ડમ્પ સાઈટ ઉપર કચરો ઠલવાઈ પણ જાય છે.

પેટલાદમાં બજાર મોડા ખૂલે છે
પેટલાદમાં ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન કરનાર શિવ ભવાની કોર્પોરેશનના સુપરવાઈઝર ભરતભાઈનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારી કામગીરી સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી હોય છે. રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાંથી કલેક્શન કરીએ છે. પરંતુ બજારમાં ઘણી દુકાનો સવારે મોડી ખૂલતી હોય તો તે રહી જતી હોય છે. જો કે સંતોષકારક કામગીરી માટે અમે દરેક ડ્રાયવરને સૂચના આપેલી જ છે.

Most Popular

To Top