સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ‘પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ’ અભિયાન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કાપડની થેલી વાપરવાના ઉદ્દેશ્ય સાથે થયેલી કોટન બેગ વેન્ડિંગ મશીનોની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની થયાનો આક્ષેપ કોંગ્રેસના દર્શન નાયક દ્વારા કરાયો છે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ અભિયાન હેઠળ અમદાવાદની એક કંપની પાસેથી 35000ની કિંમતના અંદાજિત 100 જેટલા કોટન બેગ વેન્ડિંગ મશીનોની ખરીદી કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ. 30 લાખ જેટલો ખર્ચ થયેલો હતો. આ ખરીદી સ્વચ્છ ભારત અભિયાનની ગ્રાન્ટમાંથી કરવામાં આવી હતી. આ મશીનો ઓલપાડ તાલુકાની આશરે 80 જેટલી ગ્રામ પંચાયતોને વહેંચવામાં આવ્યા હતા.

જો કે, ઓલપાડ તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં આ મશીનો લગાવ્યા ત્યારથી જ બંધ હાલતમાં છે. અનેક ગ્રામ પંચાયતોમાં તો આ મશીનો પંચાયતના ભંગારમાં ધૂળ ખાતા પડ્યા છે. આમ, જનતાના પૈસાનો મોટો વ્યય થયો છે અને અભિયાનનો ઉદ્દેશ્ય પૂરો થયો નથી.
નાયકે આક્ષેપ કર્યો કે, ગ્રામ પંચાયતે કોઈપણ ખરીદી માટે સામાન્ય સભાનો ઠરાવ, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા અને ઉપલી કચેરીની મંજૂરી લીધી નથી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત કક્ષા સુધીની વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ આટલા મોટા પાયાના મશીનોની ખરીદી કરવામાં આવી હતી, જે સ્પષ્ટપણે નિયમોનું ઉલ્લંઘન છે અને ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે. પંચાયતોમાં મશીન આવ્યા તો સરકારી દફતરે કાયદેસરની કાર્યવાહી થઈ હોય તો જ આ શક્ય છે, છતા ઓલપાડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કંઈ જાણતા ન હોવાની વાત કરી જૂઠાણું ચલાવી રહ્યા છે.
વધુમાં નાયકે આક્ષેપ કર્યો કે, અમદાવાદની જે એજન્સીએ મશીનો સપ્લાય કર્યા હતા, તેની પાસે મશીનોના નિભાવ અને જાળવણીની જવાબદારી તમામ પંચાયતની હતી. જો કે, માત્ર 7 મહિનામાં જ મોટાભાગના મશીનો બંધ હાલતમાં અથવા ભંગારમાં પડ્યા હોવાની વિગતો જાણવા મળ્યું છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરેલ માસમાં ગામના સિદ્ધનાથ એવન્યુ સોસાયટી ખાતેનું મશીન આજદિન સુધી કાર્યરત નથી થયું તેમજ સદર મશીનમાં કાટ લાગી ગયો છે.
આવી જ પરિસ્થિતિ તમામ મશીનની છે. જેથી ગુણવત્તા પણ તપાસનો વિષય છે. આમાં એજન્સી સાથે અધિકારીઓની મિલીભગત હોવાની મજબૂત આશંકા છે, જેના કારણે મોટા પાયાના ભ્રષ્ટાચારની શક્યતા છે.
તે ઉપરાંત આ યોજનાના ઓલપાડમાં જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિતના સબંધિત વિભાગનાં અધિકારીઓ દ્વારા વહીવટી મંજૂરીઓ બાબતે કેમ ધ્યાન દોરવામાં ન આવ્યું ? તેમજ યોજનામાં જે એજન્સી પાસેથી મશીન ખરીદવામાં આવ્યા છે, તે એજન્સી સાથે જો કોઈ કરાર કરવામાં આવેલ હોય તો તે કરારની શરતોનું પાલન કરવામાં આવ્યુ છે કે કેમ ? તેની તપાસ થવી જોઈએ.
ઓલપાડ તાલુકામાં જે પંચાયતમાં મશીનો લગાવવામાં આવ્યા હતા તે પંચાયતો દ્વારા મશીનની નિભાવણી માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેમજ કોટન બેગના થયેલ વેચાણ અને અવાક અંગે તપાસ થવી જોઈએ.