ભૂતકાળમાં ભ્રષ્ટાચારની વાતો અમુક મર્યાદીત ખાતા કે ડિપાર્ટમેન્ટ સુધી જ સંભળાતી હતી. પરંતુ હવે સમય એવો આવ્યો છે કે કયા ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર નથી થતો તે દિવો લઈને શોધવા જવું પડે. પરિસ્થિતિ એ હદે બગડી છે કે બધા જ જાણે છે કે ભ્રષ્ટાચાર અમર્યાદિત રીતે વધીરહ્યો છે. છતાં કોઈ કંઈ બોલી શકતું નથી અને કંઈ કરી શકતું નથી. હદ તો ત્યારે થાય છે કે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ કે જે ભ્રષ્ટાચારથી મુક્ત હતા અથવા તો ત્યાં ઓછો ભ્રષ્ટાચાર થતો હતો. પરંતુ હવે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં પણ જાણે ભ્રષ્ટાચાર એ માઝા મૂકી હોય તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે.
આમાં અપવાદો હશે એની ના નથી. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર નહીં થાય તે જોવાની જેની જવાબદારી છે તેઓ પણ એમાં ક્યાં તો સામેલ છે અથવા તો એમણે ચુપકીદી સેવી લીધી છે. પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે કે પોતાના હોદ્દાને વળગી રહેવા.માટે ચૂપ રહો અને હોદ્દા પર ચીપકી રહો એ સૂત્ર અપનાવી લીધું છે. શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા નિઃસહાય થઈને આ બધું સહન કરી રહ્યા છે. અથવા એમને સહન કર્યા વિના છૂટકો નથી. હોસ્પિટલોમાં પણ જે રીતે દર્દી સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે તે અતિ દુખદ છે.
શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં ભાવી નાગરિકોનું ઘડતર થાય છે. આ વિદ્યાર્થીઓ પણ પોતાની સંસ્થામાં થતો ભ્રષ્ટાચાર જોઈને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરવાનું જ શીખશે. હોસ્પિટલોમાં બીમાર વ્યક્તિ સાજો થવા માટે જાય છે તેને બદલે આર્થિક રીતે અને માનસિક રીતે પણ કેટલાક સંજોગોમાં પાયમાલ થઈને બહાર નીકળે છે. આ બધું ક્યાં જઈને અટકશે એમ સામાન્ય નાગરિક પૂછી રહ્યો છે. કોમનમેનને મૂંગા થઈને આ બધું સહન કરવું પડે છે.
નવસારી – ડો.જે.એમ.નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દુ:ખનો પણ આવકારો
દુ:ખને પણ આનંદ માની વધાવીએ તો ભાગ્ય પણ શું કરે? હિંમત ન હારવી એ દુ:ખ સમયે પણ ધીરજ રાખવી. આમ થાયતો દુ:ખભાર રૂપ ન લાગે ઊલટાનું, દુ:ખ પણ પ્રગતિનાં દ્વાર ખોલી આપે છે. દુ:ખને હસીકાઢો, હળવાં માની સહન કરી લો અને તેમ કરીને પ્રીરબ્ધને હંફાવો. આ જીવન પુષ્પની પથારી જ નથી. એમાં કાંટા પણ અસંખ્ય હોય છે. જીવન જીવવાની કલા ન આવડે તો જીવતાં મોતની યાતનાઓ સહન કરવી પડે છે.
સુરત – મુકેશ બી. મેહતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.