Comments

સત્તા મળે ત્યારે ભ્રષ્ટ થવાથી બચવું મુશ્કેલ હોય છે

સત્તા સાથે એની આગવી જવાબદારી સંકળાયેલી હોય છે પણ એ જવાબદારીનું વહન કરવા માટે સહુ કોઈ સક્ષમ હોય એમ બની શકતું નથી. અંગ્રેજીમાં આ અંગેની એક ઉક્તિ છે, ‘સત્તા (તેના ધારકને) ભ્રષ્ટ કરે છે અને પૂર્ણ સત્તા તેને પૂર્ણપણે ભ્રષ્ટ કરી દે છે.’ સત્તા કેવી કેવી હોય અને એ શી રીતે સત્તાધારીને ભ્રષ્ટ કરી શકે એનું વધુ એક ઉદાહરણ વધુ એક વખત હમણાં પ્રકાશમાં આવ્યું.

આપણા દેશની રાષ્ટ્રીય સ્પ્રિન્ટ ટીમના પ્રશિક્ષક R.K.શર્મા વિરુદ્ધ દેશની અગ્રણી મહિલા સાયકલવીરે ‘અયોગ્ય વર્તણૂંક’ની ફરિયાદ નોંધાવી. એશિયન ચેમ્પીયનશીપની તાલિમ માટે સ્લોવેનીયા જનારી ટીમનો આ સાયકલવીર હિસ્સો હતી. તેણે મૂકેલા આક્ષેપ અનુસાર પ્રશિક્ષક શર્માએ તેને પોતાના રૂમમાં પોતાની સાથે રહેવા જણાવ્યું. તાલીમ પત્યે મસાજ કરી આપવાની દરખાસ્ત મૂકી. સહશયન કરવા કહ્યું તેમજ ‘પોતાની પત્ની’ની ભૂમિકા અદા કરવા જણાવ્યું. આમ કરવામાં ઈન્કાર કરે તો તેની કારકિર્દીનો અંત લાવી દેવાની ધમકી આપી.

વિવિધ રમતોમાં મહિલાઓના પ્રશિક્ષક તરીકે પુરુષ હોય, ત્યારે આમ બનવાની સંભાવના રહેતી હોય છે. કેમ કે આ પ્રશિક્ષકો પાસે અમુક પ્રકારની સત્તા હોય છે. તાલીમ દરમિયાન શારીરિક સ્પર્શ અને નિકટતા સાથે કરવામાં આવતો પ્રવાસ, અજાણ્યા પ્રદેશમાં રહેવાનું, એક જ હોટેલમાં ઊતારો વગેરે બાબતો સામાન્ય હોય છે. આ બધા પરિબળો આવી દુર્ઘટનાઓ માટે કારણભૂત અને જવાબદાર બની રહે છે. અલબત્ત, આ પ્રકારની ઘટનાઓ ખાસ બહાર આવી શકતી નથી. કેમ કે ખેલાડીને માટે પોતાની કારકિર્દી પણ એટલી જ મહત્ત્વની હોય છે. આ ઉપરાંત આપણો સામાજિક માહોલ પણ એવો છે કે જાતીય સતામણીની ફરિયાદ કરતાં પહેલા મહિલા વિચાર કરે.

અગાઉ P.નાગરાજન નામના એક પ્રશિક્ષકની સામે અનેક મહિલા રમતવીરોએ ફરિયાદ નોંધાવી હતી. તાલિમી સત્રો યોજવાના ઓઠા હેઠળ નાગરાજન જાતીય શોષણનો પ્રયત્ન કરતા હતા, જેને પગલે મહિલા રમતવીરોએ ભયાનક માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું હતું.

અલબત્ત, શર્માના કિસ્સામાં આશ્વાસનરૂપ બાબત એ છે કે ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા’(SAI) એ આ ફરિયાદને પગલે ત્વરિત કાર્ય કર્યું છે અને આ આક્ષેપો સાચા જણાતાં તેમનો કરાર રદ કર્યો છે. આ અગાઉ 2020માં ‘SAI’ સમક્ષ કુલ 29 પ્રશિક્ષકો બાબતે બધુ મળીને 5 ફરિયાદો આવી હતી અને એ જાતીય સતામણીની હતી. ‘શિક્ષા ’તરીકે આ પૈકી 5 પ્રશિક્ષકોના વેતનમાં ઘટાડો અને 2 પ્રશિક્ષકોનો કરાર રદ કરવામાં આવ્યો હતો અને એકની ફરજ મોકૂફી કરાઈ હતી. બાકીનાઓની બદલી કરાઈ હતી યા તેમના પેન્શનમાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે બાકીનાઓની પૂછપરછ સતત લંબાયા કરતી હતી. એ દરમિયાન એ પ્રશિક્ષકોને પોતાનું કામ ચાલુ રાખવા દેવાયું હતું. આવું કેવળ ભારતમાં જ બને છે એમ નથી. કેમ કે આ પ્રકારની વૃત્તિ કોઈ દેશવિશેષ નથી હોતી. અમેરિકાની મહિલા ખેલાડીઓના ટીમ ડૉક્ટર લેરી નાસરનો કિસ્સો જગમશહૂર છે. જેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સેંકડો યુવતીઓનું જાતીય શોષણ સતત કર્યે રાખ્યું હતું અને આખરે તેમને આકરી સજા ફટકારવામાં આવી હતી. સવાલ આવા શોષણ સામે ફરિયાદની પહેલ કરવાનો હોય છે, જે સામાન્યપણે મોડી થાય છે પણ એક વાર એ થાય એટલે અનેક શોષિતો બહાર આવે છે.

શર્માના મામલે પણ અન્ય શોષિતો પોતાને થયેલી સતામણી કે શોષણની વાત કરવા આગળ આવ્યા છે. આમ કરનારમાં આંદામાનની રાષ્ટ્રીય સાયકલિંગ ચેમ્પિયન અને આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક વિજેતા ડેબરા હેરોલ્ડ અગ્રેસર છે. અન્ય એક મહિલા સાયકલિસ્ટ સાથે પોતાને ‘સંબંધ’ હોવાની આશંકાએ શર્મા અને તેમની સહાયક ગૌતમણિ દેવીએ ડેબરાને રાષ્ટ્રીય ટીમમાંથી દૂર કરી દીધી હતી. ખાસ કરીને ગૌતમણિ દેવી તેમને આ બાબતે મહેણાં મારતા અન્ય ખેલાડીઓથી તેને અલાયદી કરી દેતાં તેમજ તેની સાથે ગમે એમ વર્તતા. આ આક્ષેપના જવાબમાં ગૌતમણિ દેવીએ જણાવ્યું છે કે પોતે કેવળ એટલું જ કરેલું જે કરવા માટે તેમને ‘સાયકલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા’ દ્વારા જણાવવામાં આવેલું.

રાષ્ટ્રીય ટીમની અન્ય 2 મહિલા સભ્યોએ પણ શર્મા સામે જાતીય સતામણીનો આક્ષેપ મૂક્યો છે. શર્માનો કિસ્સો એકલદોકલ નથી. એ ભૂતકાળની અનેક ઘટનાઓ પરથી સમજી શકાય એમ છે. આ મામલે ‘SAI’ દ્વારા ઝડપી પગલાં લેવામાં આવ્યા, એ પ્રશંસનીય બાબત ગણાવી શકાય પણ આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ ઉકેલ જણાતો નથી. પ્રશિક્ષક R.K.શર્માને પણ પોતાના બચાવમાં કંઈક કહેવાનું થતું હશે, જે હજી સુધી જાણવા મળ્યું નથી. પ્રશિક્ષક તરીકે કડક અને કઠોર વર્તન કદાચ તેમના અભિગમનો હિસ્સો હોય એમ માની શકાય પણ જાતીય સતામણી કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. જાતીય સતામણીને કારણે રમતવીરોની કારકિર્દી પર અવળી અસર પડે એ બરાબર, સાથે સાથે તેમના જીવન પર પણ એ ઓછાયો સતત ઝળૂંબતો રહે એ શક્યતા નકારી શકાતી નથી. અમસ્તી પણ સાવ ટૂંકી રહેતી તેમની કારકિર્દીમાં બનતી આવી દુર્ઘટના અનેક માનસિક સમસ્યાઓને જન્મ આપી શકે છે.

આ બાબતને દબાવવાને બદલે તેને જાહેર કરવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે પણ એમ કરવામાં પોતાની કારકિર્દી રોળાઈ જવાનો ખરેખરો ભય તેમને લાગતો હોય છે. આથી છેવટનો આધાર સત્તાધારી ભ્રષ્ટતાને કેટલો સમય ખાળી શકે એમ છે એની પર જ હોય છે. બધા જ પ્રશિક્ષકો આમ કરે છે, એવું સામાન્યીકરણ કરી ન શકાય પણ પોતાને મળતી સત્તાને લઈને ભ્રષ્ટ થવાથી બચવું મુશ્કેલ હોય છે. આજે શોષિત હોય એની સ્થિતિ આવતી કાલે બદલાય અને તેને સત્તા મળે ત્યારે આ બાબત યાદ રહે એ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top