Vadodara

સ્માર્ટ સિટીમાં બનેલા રોડ-રસ્તાની કામગીરીમાં પાલીકાના કોન્ટ્રાકટરોનો ભ્રષ્ટાચારરૂપી વિકાસ

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરના વિકાસની મોટી મોટી વાતો જાણે ખોટી અને પોકળ સાબિત થઇ રહી હોય તેમ જણાય છે અથવાતો શહેરમાં વિકાસ રુપી ભ્રષ્ટાચાર હવે દેખાવા લાગ્યો છે.શહેરમાં એકવાર રોડરસ્તાઓ તૈયાર કરવા પાછળ પાલિકા તંત્ર દ્વારા મસમોટા ખર્ચાઓ કર્યા બાદ ફરી થોડા દિવસોમાં કેબલ, ડ્રેનેજ, પાણીની લાઇનો, ગેસ લાઇનો માટે તે રોડરસ્તાઓ ખોદી નાંખવામાં આવતા હોય છે.જેનું કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે પૂરાણ પણ કરવામાં આવતું નથી જેના કારણે અવારનવાર રોડમા ખાડાઓ પડી જાય છે અને તેના કારણે વેરો ભરતી જનતા જેઓ રોડટેક્સ વિગેરે ભરે છે.

તેઓને તથા મૂંગા પશુઓને,રાહદારીઓ ને હાલાકી ઉઠાવવાનો વારો આવે છે જ્યારે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો ને ફાયદો થતો હોય છે.શહેરના ખોડિયારનગર ચારરસ્તા નજીક આવેલા ખોડિયાર માતાના મંદિર સામે થોડાક સમય પહેલાં રોડ ખોદીને કામગીરી કરવામાં આવી હતી.પરંતુ પાલિકાની લાપરવાહીને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા અહીં યોગ્ય રીતે પૂરાણ ન કરવામાં આવતા અને માત્ર ખાનાપૂર્તિ કરવામાં આવતી હોય તેમ થીંગડુ કરી દેવાતાં ગતરાત્રી દરમિયાન એક ડમ્પર અહીંથી પસાર થતી વેળાએ રોડ બેસી જતાં ડમ્પરનો એક તરફનો ભાગ ખાડામાં ધસી પડ્યો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.નવાઇની વાત તો તે છે કે વડોદરાના નવા મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પૂર્વ વિસ્તારથી આવે છે અને આ વિસ્તારોથી અવગત છે છતાં આ વિસ્તારમાં યોગ્ય વિકાસ થયો નથી ત્યારે આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર દ્વારા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top